નેત્રંગના આદિવાસી યુગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મન મોહી લીધું

વાંસના હેન્ડીગ્રાફ્ટની કૃતિ નિહાળી પ્રશંસા કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુછ્યું “ગુજરાતના કયા જિલ્લામાંથી આવો છો”?

દિલ્લીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડીયમમાં “આદિ મહોત્સવ”માં યુગલે વાંસના હેન્ડીગ્રાફ્ટની ૫૦થી પણ વધારે કૃતિ પ્રસ્તુત કરી. “આદિ મહોત્સવ”એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે મેગા” રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવ આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી આ વાર્ષિક પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદર્શનના વિવિધ સ્ટોલમાં મુલાકાત લીધી હતી તથા કારીગરો સાથે વાત કરી હતી. ત્યાં એક કૃતિ નિહાળી પ્રશંસા કરતાં પુછ્યું “ગુજરાતના કયા જીલ્લામાંથી આવો છો”?

નેત્રંગ તાલુકાના મૌઝા ગામના હાથાકુડી ફળીયામાં રહેતા વજીરભાઇ કોટવાળીયા અને તેમના પત્ની સુરતાબેન કોટવાળીયાએ બામ્બુ હેન્ડીગ્રાફ્ટ મારફતે વાંસની 50 થી પણ વધુ ઘરમાં સુશોભન માટે ઉપયોગી અને જીવનજરૂરીયાતની વિવિઘ ચીજવસ્તુઓની કૃતિઓનું પ્રદર્શન ગોઠવ્યું હતું. આ પ્રદર્શન વેળાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત વસ્ત્રોમાં સજજ વજીરભાઇ કોટવાળીયા અને તેમના પત્ની સુરતાબેન દ્રારા બનાવવામાં આવેલી કૃતિ નિહાળી પ્રશંસા કરતાં પુછ્યું કે, ગુજરાતના કયા જીલ્લામાંથી આવો છો…?

જવાબમાં વજીરભાઇ કોટવાળીયાએ કહ્યું કે, ભરૂચના નેત્રંગ તાલકાના મૌઝા ગામના વતની છીએ. કોટવાળીયા સમાજમાંથી આવીએ છીએ એમ કહી પોતાની ઓળખ આપી હતી. પ્રધાનમંત્રીએ વજીરભાઇ કોટવાળીયા અને તેમના પત્ની સુરતાબેન દ્રારા બનાવેલી કૃત્તિઓની સરાહના કરીને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. ભરૂચ-નર્મદા,ડાંગ અને તાપી જિલ્લો ચાર જિલ્લામાં વસતા કોઠવાળીયા સમાજ વાસની બનાવટની ચીજવસ્તુ બનાવી જીવનનિર્વાહ કરતાં હોય છે. આદિ મહોત્સવમાં વાસ આધારિત ચીજવસ્તુ માટે આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત થતાં “લોકલ ફોર વોકલ”ને નવી દિશા મળશે. તેમજ રોજગાર સાથે આ તમામ પ્રકારની ચીજવસ્તુ બનાવટ કરતાં આ લોકોને નવી ઓળખ પણ મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *