વિપ્રો કંપનીએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. બુધવારે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન રિશદ પ્રેમજીએ 300 કર્મચારીઓની છટણી કરી હોવાની જાહેરાત કરી હતી. આ કર્મચારીઓ વિપ્રોમાં કામ કરવા ઉપરાંત અન્ય કંપનીઓમાં પણ એક જ સમયે કાર્યરત હોવાથી કંપનીને આ પગલું લેવાની ફરજ પડી હતી. એક કાર્યક્રમને સંબોધિત કરતા પ્રેમજીએ કહ્યું હતું કે મૂનલાઇટિંગને લઇને આપવામાં આવેલા અમારા નિર્ણય પર અમે મક્કમ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે કર્મચારીઓ દ્વારા મૂનલાઇટિંગ એ ટેક ઇન્ડસ્ટ્રીમાં દગો છે. કર્મચારીઓએ અખંડતાનું ઉલ્લંઘન કર્યું છે અને પછી જ તેઓની હકાલપટ્ટી કરાઇ છે.
શું હોય છે મૂનલાઇટિંગ?
જણાવી દઇએ કે મૂનલાઇટિંગનો અર્થ એ થાય છે કે તમે કોઇ કંપનીમાં કામ કરવાની સાથે સાથે બીજી કંપનીમાં પણ એ જ સમયે જોડાયેલા હોય. કોરોના મહામારી દરમિયાન ખાસ કરીને વર્ક ફ્રોમ હોમના ટ્રેન્ડ દરમિયાન મૂનલાઇટિંગ વધ્યું હતું, પરંતુ તે આઇટી ઇન્ડસ્ટ્રી માટે મોટી ચિંતા છે. ટેક કંપનીઓને એ ચિંતા સતાવી રહી છે કે તેનાથી કર્મચારીઓના હિતોમાં ટકરાવ આવી શકે છે, આંકડાઓની સાથે છેતરપિંડી થઇ શકે છે, કંપનીની બૌદ્વિક સંપત્તિનો દૂરુપયોગ થઇ શકે છે.
પ્રેમજીએ કહ્યું હતું કે મૂનલાઇટિંગની વ્યાખ્યા પોતાનામાં જ વ્યાખ્યાયિત કરે છે કે તમે લોકોથી છૂપાવીને કોઇ અન્ય કામ કરો છો. પારદર્શિતાને ધ્યાનમાં રાખતા કર્મચારીઓ પોતે જ એ વાતની જાણકારી આપી શકે છે કે તેઓ રજામાં બીજા કામ કરે છે. બીજી કંપની સાથે કાર્યરત છે. કર્મચારીઓ પોતે જ નક્કી કરી શકે છે કે તે તેના હિતમાં છે કે નહીં. Xphenoના સહ-સ્થાપક કમલ કરનાથે જણાવ્યું કે કર્મચારીઓની કારકિર્દીમાં તેની છબી ખરડાશે પરંતુ વ્યક્તિગત કારકિર્દીમાં તેની કોઇ અસર નહીં થાય. જો સિબિલ જેવી કોઇ રેટિંગ નહીં હોય તો આ પ્રકારની કાર્યવાહીની કોઇ દૂરોગામી અસર જોવા નહીં મળે. જે રીતે મોટી સંખ્યામાં કર્મચારીઓની માંગ છે ત્યારે આ પ્રકારના એક્શનથી કોઇ ખાસ પ્રભાવ નહીં પડે.