રાજકોટ શહેરના મોરબી રોડ પર વેલનાથપરા વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારીની પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મૃતક યુવતીના છૂટાછેડા બાદ બીજા લગ્ન મંજૂર ના હોય જેના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર વેલનાંથપરામાં રહેતા નિવૃત્ત પોલીસ એ.એસ.આઈ.
ભલુભાઈ બારોટની પુત્રી કિંજલબેન બારોટ (ઉ.વ.૩૧) એ આજરોજ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
જ્યાંથી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કિંજલબેનના પિતા ભલુભાઇ બારોટ નિવૃત્ત પોલીસ કર્મચારી છે. કિંજલબેનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા.
પરંતુ તેના છ માસના લગ્નગાળા બાદ જ કિંજલબેનના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ કિંજલ બેનને બીજા લગ્ન કરવા માટે મનમેળ ન હતો. જેના કારણે યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.