
પરિવારે કહ્યું- મદદ કરવાની આ કેવી રીત? ગુનો કર્યો નથી છતાં ધમકાવાયા,
જલ્પા પટેલ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરના એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી બંધ યુવતીનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે મૃતક યુવતી અલ્પાબેનનાં માતા હર્ષાબેન અને બહેન પરિન્દાએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે અલ્પા બીમાર હતી. ચારેક દિવસથી ઊલટીઓ થતી હતી, જેથી અમે તેની સારવાર પણ કરાવતાં હતાં. અમારે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવી હોઇ, જેથી અમે આર્થિક મદદ માટે પ્રયાસ કરતાં હતાં. દરમિયાન અલ્પાબેનને ધરાર સિવિલ હોસ્પિટલે લઇ આવવામાં આવી હતી. અમે કોઇ ગુનો કર્યો નથી છતાં અમને સતત ડરાવવા, ધમકાવવામાં આવ્યાં હતાં. યુવતીના મોત બાદ તેને બદતર હાલતમાંથી છોડાવનાર સાથી સેવા ગ્રુપનાં જલ્પા પટેલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં
ક્યાંક ને ક્યાંક અલ્પાના પરિવારનું પ્લાનિંગ જ છેઃ જલ્પા પટેલ
સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલે જણાવ્યું હતું કે અમે અમારા તરફથી મરણિયો પ્રયાસ કર્યો છે. અમે બહાર ન લાવ્યા હોત તો આ દીકરી ત્યાં જ મરી જાત. પરિવારે મરી ગયેલી હાલતમાં જ તેને રાખી હતી. ક્યાંક ને ક્યાંક અલ્પાના પરિવારનું પ્લાનિંગ જ છે. આને મર્ડર જ કહી શકાય, કારણ કે આ લોકોએ જાણીજોઇને મારી નાખી છે. પરિવારને ખબર હતી કે દીકરીએ 8 દિવસથી અન્ન-પાણી નથી લીધું તો રાજકોટ જેવા સેન્ટરમાં ગમે ત્યારે ગમે તે હોસ્પિટલમાં લઇ જઇ શક્યા હોત.
અમારો જીવ બચાવો અભિયાન હતું એમાં અમે હારી ગયા
અમે પણ ઓફર કરી હતી કે ખાનગી કે સિવિલ હોસ્પિટલમાં તમે કહો ત્યાં સારવાર માટે લઇ જઇએ, પરંતુ તેમણે ના પાડતાં ઝગડો કરી અમે તેને હોસ્પિટલ ખસેડી હતી. આ લોકો જીતી ગયા અને અમારું જીવ બચાવો અભિયાન હતું તેમાં અમે હારી ગયા છીએ. બસ, અમારી એટલી જ માગ છે કે આ પરિવાર સામે ઊંડી તપાસ કરી આ લોકોને કડકમાં કડક સજા કરવી જોઇએ, જેથી ભણેલી-ગણેલી દીકરીની બદતર જિંદગી બનાવવા અન્ય લોકો સો વાર વિચારે.