સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકને જાહેરમાં છરી મારી હત્યા કરવાની ચકચારી ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં આવેલા કમલપાર્ક સોસાયટી સામેના જાહેર રોડ પર ખુશાલ કોઠારી નામની વ્યક્તિની બે અજાણ્યા ઇસમો દ્વારા છરી મારી હત્યા કરવામાં આવી છે. પ્રથામિક તપાસ મુજબ, હુમલો કરનાર અને મૃત્યુ પામનાર બન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અંગત અદાવતને લઈને આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. હુમલા બાદ ખુશાલ કોઠારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી
હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓની પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે જાહેરમાં હત્યાના બનાવથી વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.