Supreme Court :સમીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી રાજદ્રોહના કાયદા પર રોક લગાવી
ભારતમાં દાયકાઓથી સરકારો દ્વારા બ્રિટિશ સમયના કાયદાનો ઉપયોગ પત્રકારો, બૌદ્ધિકો, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સરકારની ટીકા કરનારાઓ વિરુદ્ધ થતો રહ્યો છે.
રાજદ્રોહ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ વિશે વિચાર કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે ફરીથી સમીક્ષા કરવાની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ કાયદા અંતર્ગત નવા કોઈ કેસ નોંધાશે નહીં.
આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે આ કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારની તપાસ પણ શરૂ કરી શકાશે નહીં.
મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ પોતાના આદેશમાં કહ્યું છે કે જે પણ લોકો પર આ કાયદા અંતર્ગત ગુનો નોંધાયો છે, તેઓ રાહત તેમજ જામીન માટે કોર્ટમાં જઈ શકે છે.
થોડાક દિવસો અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ આ કાયદાની સમીક્ષા માટે તૈયાર છે. જોકે, પહેલાં સરકારે એમ પણ કહ્યું હતું કે આ કાયદો ખુબ જરૂરી છે.
ભારતીય દંડસંહિતાની કલમ 124-અ હેઠળ, જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલીને, લેખિત શબ્દો દ્વારા, સંકેત દ્વારા, દૃશ્ય પ્રતિનિધિત્વ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે ધૃણા કે તિરસ્કાર કે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરે કે ભારતમાં કાયદા મુજબ સ્થાપિત સરકાર વિરુદ્ધ અસંતોષ ફેલાવવાનો પ્રયાસ કરે તો તેની સામે રાજદ્રોહના આરોપ સબબ કેસ ચલાવી શકાય છે.
રાજદ્રોહએ બિનજામીનપાત્ર ગુનો છે, તેના ભંગ બદલ ગુનેગારને ત્રણ વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. ભારતમાં નવી શિક્ષણવ્યવસ્થા લાગુ કરનારા લૉર્ડ થૉમસ મૅકોલેએ 1870ના દાયકા દરમિયાન તેનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
1863થી 1870 દરમિયાન વહાબી વિચારધારા અને પ્રવૃત્તિએ તત્કાલીન સરકારની સામે જોખમ ઊભું કર્યું હતું, એટલે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશના સ્વતંત્રતાસેનાનીઓ પર પણ આ કલમ લગાવવામાં આવી હતી.
જ્યારે ગાંધીજી પર આ કલમ લાગુ કરવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે “નાગરિકની સ્વતંત્રતાને દબાવવા માટે તે ઘડવામાં આવી છે.” 1947માં આઝાદી પછી પણ આ કાયદો ચાલુ રહેવા પામ્યો હતો. કૉંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના કે ગેરવહીવટના આરોપ મૂકનારા અને ઘણી વખત સામ્યવાદીઓ સામે પણ આ ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવતો હતો.
કેદારનાથ વિ. બિહાર રાજ્ય (1962)માં સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે રાજદ્રોહની કાયદેસરતાને ગ્રાહ્ય રાખી હતી અને તેની વ્યાખ્યા કરી હતી.
અદાલતે ઠેરવ્યું હતું કે 124-એ હેઠળ માત્ર એ શબ્દો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થઈ શકે કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ તેવી મંછા હોય અથવા તો હિંસા ફેલાતી હોય. ત્યારથી એ કેસને સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે અને દરેક અદાલતમાં સુનાવણી વખતે તેને ટાંકવામાં આવે છે.