નિરાશ વ્યક્તિની મનોદશાનો સ્વીકાર કરી સહાનુભૂતિ દર્શાવાય તો તેને આત્મહત્યા કરતો રોકી શકાય

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગે માનસિક બીમારીથી માંડીને આત્મઘાતનાં વધતા જતા કિસ્સામાં દર્શાવ્યા ઉકેલ

ભુજ હતાશાથી ઘેરાયેલો માનવી કોઈપણ ક્ષણે અંતિમ પગલું ભરી શકે તેવી નિરાશ વ્યક્તિની મનોદશાનો સ્વીકાર કરી તેના પરત્વે સહાનુભુતિ અને માનવીય અભિગમ દર્શાવાય તો તેને માનસિક બીમારી સામે રક્ષાણ આપી આપઘાત કરતા અટકાવી શકાય છે, એમ, અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના તબીબોએ જણાવ્યું હતું. કચ્છમાં આજકાલ વધતા જતા કિસ્સામાં અત્રેની હોસ્પિટલમાં કાઉન્સીલિંગનું પ્રમાણ વધ્યું છે. તેના વ્યવહારુ ઉકેલ અંગે પ્રકાશ પાડતા મનોચિકિત્સક ડો. ચિરાગ કુંડલિયા અને રેસિ. ડો. રિધ્ધિ ઠક્કરે જણાવ્યું હતું કે, મોટાભાગે આત્મહત્યાનું પગલું ભરવા પાછળ કોઈ ઘટના કે વિચારો રહેલા હોય છે. જેમાં એક ક્ષણે દર્દ અને વેદનાની ચરમસીમા આવી જાય ત્યારે વ્યક્તિ જાે પોતાને સંભાળી ન શકે તો આત્મહત્યા તરફ દોરાઈ જાય છે. મેડિકલ સાઈન્સમાં તેના ઉપાયો છે. જાે સમયસર વ્યક્તિ અથવા તેના નજીકના સગા દ્વારા તેની મનોચિકિત્સકની સારવાર લે તો આત્મઘાતી પગલું ભરતા અટકાવી શકાય છે.


આત્મહત્યા કરનાર વ્યક્તિ મનની નબળી નથી હોતી પણ તેની વેદનાને સમજવાની જરૂર છે. આવી વ્યક્તિમાં કોઈને કોઈ માનસિક તકલીફ હોય છે. તેમને વારંવાર આત્મહત્યાના વિચારો આવતા હોય છે. પણ તે કોઈને કહી શકતા નથી પરંતુ તેના વર્તનથી સંકેતો પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે, વ્યક્તિ આત્મહત્યાની વાતો કરે, મૂલ્યવાન વસ્તુ કોઈને આપી દે, સતત ઉદાસ રહે, એકલા રહેવાનુ પસંદ કરે, પસંદગીના કામમાં અરુચિ, હું બધા પર બોજસમાન છું, મારે કારણે બધા હેરાન છે વિગેરે વિગેરે તો ચેતી જવા જેવું છે અને શરમ, સંકોચ કે ક્ષોભ વિના તબીબની સલાહ લેવી જાેઈએ. એવું આ બંને ડોકટરોએ જણાવ્યુ હતું. હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના વડા અને એડિશનલ મેડિકલ સુપ્રિ. ડો. મહેશ ટીલવાણીએ કહ્યું કે, હું આત્મહત્યા કરીશ તો તેમ તે નહીં કરે એમ માનવાની ભૂલ નજીકના સગાએ કરવી નહીં અને પરિવારજનોએ તાત્કાલિક મનોચિકિત્સક જેવા ઉપાયો કરવા જાેઈએ. ઘણીવાર વ્યક્તિ લાંબાગાળાની શારીરિક બીમારી પારિવારિક તણાવ, પ્રિયજનનું મૃત્યુ, પૈસા, પ્રતિભા અને નોકરી ગુમાવવાનો રંજ વિગેરેને કારણે પણ આત્મહત્યા કરતાં હોય છે. આવા આત્મહત્યાના પ્રમાણ કચ્છમાં પણ રોજ જાેવા મળે છે. દુનિયામાં દર પચાસ સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યાથી જીવ ગુમાવે છે ત્યારે આ ક્ષેત્રે જાગૃતિ લાવવાનો સમય પાકી ગયો છે. તેવું આ તબીબોએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *