Stock Market : સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજાર (Share Market)માં ફરી એકવાર કડાકો બોલાયો હતો. આજે સવારે થોડા મોમેન્ટમ સાથે ખુલ્યા બાદ અચાનક ઘટાડો શરુ થયો હતો. સેન્સેક્સમાં આજે 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો જ્યારે નિફ્ટી 350 પોઈન્ટ તૂટી ગઈ. બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સ 1046 પોઈન્ટ એટલે કે 1.42 ટકા તૂટીને 72621 સ્તરે પહોંચીને વેપાર કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી 1.74 ટકા અથવા 388 પોઈન્ટ તૂટીને 21,947 પર વેપાર કરી રહ્યો હતો.
Stock Market : નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1730 પોઈન્ટ અથવા 3.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો. સાથે જ નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 676 પોઈન્ટ એટલે કે 4.50 ટકા ઘટીને વેપાર કરી રહ્યો હતો. આ ભયંકર ઘટાડાના કારણે માર્કેટનું સેન્ટીમેન્ટ બદલાઈ ગયું અને દિગ્ગજ કંપનીઓના શેરમાં જબરદસ્ત વેચાવલી થઈ.
Stock Market : શા માટે ધરાશાઈ થયું માર્કેટ?
ગત દિવસોમાં SEBI ચીફે મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સેબી તેના પર તાકતી નજર રાખી રહ્યું છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં હેરાફેરીના સંકેત મળ્યા છે. એટલું જ નહીં એસએમઆઈ આઈપીઓમાં પણ ગોટાળાના સંકેત છે. સેબી ચીફે રોકાણકારોને સતર્ક રહેવા કહ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારમાં સેન્ટીમેન્ટ બદલાયું, જેની અસર થઈ કે આજે બજારમાં ભારે વેચાણ થયું. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે બાકીના ઈન્ડેક્સમાં પણ ભારે ઘટાડો આવ્યો છે.
Stock Market : અંદાજિત 13 લાખ કરોડ રૂપિયા સ્વાહા
બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાના કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 12.67 લાખ કરોડ રૂપિયા ઘટીને 372 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. જેનો મતલબ છે કે થોડા જ કલાકોમાં રોકાણકારોને અંદાજિત 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.