આવતી કાલે મતદાન પછી મત ગણતરીની પ્રક્રીયા થવા જઈ રહી છે ત્યારે પોલ દ્વારા ભાજપને 130થી લઈને 140 સીટોનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગત વખતે જે 2017માં 99 સીટો હતી તેની સરખામણીમાં આ આંકડો પાર થશે કે કેમ, તે આવતી કાલે જ ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપને 2002માં જે 127 સીટો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયગાળામાં મળી હતી તેની સરખામણીએ આજ સુધી આટલી સીટોનો રેકોર્ડ ભાજપ તેના નામે કરી શક્યું નથી. તેવામાં આટલી સીટોનો અંદાજ આ વખતે પોલમાં લગાવવામાં આવી રહ્યો છે.
જાણો વર્ષ પ્રમાણે ઘટતા મતદાનના સાથે ભાજપની ઘટતી સીટો
2012માં ભાજપે 117 બેઠકો જીતી હતી. તે સમયે 70 ટકાથી વધુ મતદાન થયું હતું. 2017માં ભાજપની સીટો ઘટીને 99 થઈ હતી ત્યારે 69.01 ટકા નોંધાયું હતું ત્યારે આ વખતે પોલ પ્રમાણે 133થી 140 આસપાસ સીટોની ધારણા કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે 64.33 ટકા મતદાન થયું છે. 1.75 લાખ મતદારો એવા છે કે, જેમને મતદાન આ વખતે કર્યું નથી.
5 જિલ્લા એવા છે કે જ્યાં મતદાન ઓછું
આ વખતે માત્ર પાંચ જિલ્લા એવા છે જ્યાં 70 ટકાથી વધુ મતદાન થયું છે. જેમાં નર્મદા 78.42 ટકા સાથે મોખરે છે. નર્મદા ઉપરાંત તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી એવા જિલ્લા છે જ્યાં 70 ટકાથી વધુ મતદાન થયું છે. 60 થી 69 ટકા મતદાનની ટકાવારી ધરાવતા 22 જિલ્લા છે જ્યારે 60 ટકાથી ઓછા મતદાનવાળા 6 જિલ્લા છે. જેમાં સૌથી ઓછું 57.59 ટકા મતદાન બોટાદમાં થયું છે. સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાંથી માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. બેઠક મુજબનું મતદાન ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા અને બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું હતું. થરાદ ઉપરાંત ડેડિયાપાડા એવી બેઠક છે જ્યાં 80 ટકાથી વધુ મતદાન થયું છે.