શિન્ઝો એબે : જાપાનના પૂર્વ વડા પ્રધાનનું નિધન
શિન્ઝો એબે : જાપાનના પૂર્વ વડા પ્રધાનનું નિધન
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે પર થયેલ જીવલેણ હુમલા બાદ જાપાનના સરકારી મીડિયાએ પુષ્ટિ કરી છે કે તેમનું નિધન થઈ ગયું છે.
તેમણે કહ્યું હતું કે હુમલાખોરના હેતુ વિશે હજુ સુધી ખબર નથી પડી શકી પરંતુ હાલના ચૂંટણીપ્રચાર સાથે સંબંધ હોવાની વાત નકારી ન શકાય.
જાપાનના પબ્લિક બ્રૉડકાસ્ટર એનએચકેના અહેવાલ અનુસાર, તેઓ જાપાનના નારા શહેરમાં એક ભાષણ આપી રહ્યા હતા તે સમયે તેમના પર હુમલો થયો હતો.
સ્થળ પર હાજર એનએચકેના પત્રકારનું કહેવું છે કે તેમણે પહેલાં ગોળીનો અવાજ સાંભળ્યો અને બાદમાં શિન્ઝો એબેને લોહીથી લથપથ હાલતમાં જોયા.
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે શુક્રવારે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા શહેર નારામાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
અગાઉ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરતા કહ્યું, “મારા પરમ મિત્ર શિન્ઝો એબે પર થયેલા હુમલાથી દુખી છું. તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે મારી સંવેદના.”
એનએચકે અનુસાર, હુમલાખોરની ઓળખ 41 વર્ષીય તેત્સુયા યામાગામી તરીકે કરવામાં આવી છે.
સમાચાર રૉયટર્સ અનુસાર, તેણે કહ્યું કે તેને એબેથી અસંતોષ હતો અને તેમની હત્યા કરવા માગતો હતો.
હુમલાખોર ગ્રે ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં હતો.
રક્ષા મંત્રાલયનાં સૂત્રોના હવાલાથી એનએચકેએ જણાવ્યું કે “તે સંદિગ્ધ સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય અને તેણે હેન્ડમેડ ગનથી ગોળી મારી હતી. 2005 સુધી તેણે ત્રણ વર્ષ સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં કામ કર્યું હતું.”
હુમલો થયો તે સમયે ત્યાં હાજર એક મહિલાએ એનએચકેને જણાવ્યું, “પૂર્વ વડા પ્રધાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમની પાછળ ગઈ. પહેલી ગોળીનો અવાજ જોરથી આવ્યો. ત્યારે શિન્ઝો એબે પડ્યા ન હતા. જ્યારે બીજી ગોળી વાગી તો તેઓ ઢળી પડ્યા.”
“લોકોએ તેમને ચારેબાજુથી ઘેરી લીધા હતા. હુમલાખોરે ટી-શર્ટ પહેરી હતી. તે ત્યાંથી ભાગ્યો ન હતો. તે નજીકમાં જ ઊભો રહ્યો હતો અને બંદૂક પણ ત્યાં જ પડી હતી. પોલીસે શકમંદને ઘટનાસ્થળેથી જ પકડ્યો છે.”
જાપાનમાં વૉશિંગ્ટન પોસ્ટના બ્યૂરો ચીફ મિશેલ યે હી લીએ ટ્વીટ કરીને કહ્યું, “જાપાનમાં શિન્ઝો એબે હાલમાં પણ ઘણા લોકપ્રિય છે. જાપાનમાં અપવાદરૂપ કિસ્સામાં હિંસા થાય છે.”
જાપાનમાં હાઇપ્રોફાઇલ હત્યા કે પછી હત્યાનો પ્રયાસનો ઇતિહાસ રહ્યો છે. તેમાં વર્ષ 1932માં એક નેવી અધિકારીએ જાપાનના વડા પ્રધાન ઇનુકાઈ સુયોશીની હત્યા કરી નાખી હતી. આ હત્યા સત્તાપલટો કરવાનો નિષ્ફળ પ્રયાસ હતો.
જાપાનનો સમાવેશ એવા દેશોમાં થાય છે, જ્યાં હથિયારો રાખવાને લઈને કડક કાયદા છે.
શિન્ઝો એબેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ કહ્યું હતું કે જાપાને લાંબા સમયથી ચાલતી આવતી પ્રથા ભૂલીને સક્રિયપણે પરમાણુ હથિયારો વિશે ચર્ચા કરવી જોઈએ.
એબેએ 2020માં વડા પ્રધાનપદ છોડી દીધું હતું, પરંતુ સત્તાધારી લિબરલ ડેમૉક્રેટિક પાર્ટીમાં હાલ પણ તેઓ ઘણા પ્રભાવશાળી છે.