શાહિન આફ્રિદી ઇજાને કારણે એશિયા કપ 2022 ટૂર્નામેન્ટમાંથી બહાર થયો
એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઘૂંટણની ઇજાને કારણે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. શાહીન શાહ આફ્રિદી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર ઘરેલુ સીરિઝમાં પણ નહી રમી શકે. એશિયા કપમાં પાકિસ્તાનની પ્રથમ મેચ 28 ઓગસ્ટે ભારત સામે થવાની છે. તે બાદ 4 સપ્ટેમ્બરે પણ બન્ને ટીમ વચ્ચે ટક્કર થશે.
વાપસીમાં 4થી 6 અઠવાડિયા લાગશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ શનિવારે નિવેદન જાહેર કરીને શાહીન આફ્રિદીના બહાર થવાના સમાચાર આપ્યા છે. બોર્ડે કહ્યુ કે ફાસ્ટ બોલરને વાપસી કરવામાં 4થી 6 અઠવાડિયાનો સમય લાગશે. સ્કેન રિપોર્ટ આવ્યા બાદ PCBએ જાણકારો પાસેથી સલાહ લીધી છે. તે બાદ આ નક્કી થયુ કે તે લાંબા સમય સુધી નહી રમી શકે.
ભારતના ટોપ ઓર્ડરને રાહત
શાહીન શાહ આફ્રિદીના એશિયા કપમાંથી બહાર થતા ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડરને મોટી રાહત મળી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાહીન શાહ આફ્રિદી 70 % મેચમાં પ્રથમ ઓવરમાં વિકેટ ઝડપે છે, તેને ગત વર્ષે ટી-20 વર્લ્ડકપમાં પણ પ્રથમ ઓવરમાં જ રોહિત શર્માની વિકેટ લીધી હતી. તે બાદ તેને કેએલ રાહુલ અને વિરાટ કોહલીને પણ પેવેલિયન મોકલ્યો હતો, તે મુકાબલામાં ભારતનો 10 વિકેટે પરાજય થયો હતો. આ વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાનના હાથે પ્રથમ હાર હતી.
વર્લ્ડકપ સુધી ફિટ થવાની આશા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યુ કે શાહીન શાહ આફ્રિદીના ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ટી-20 વર્લ્ડકપ સુધી ફિટ થવાની આશા છે. એશિયા કપ અને વર્લ્ડકપ વચ્ચે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે સાત ટી-20 મેચની સીરિઝ રમાશે. આ સીરિઝમાં પણ શાહીન શાહ આફ્રિદી રમી નહી શકે.
એશિયા કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિજવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર