અમેરિકાના કારણે ભારતના શેર-માર્કેટ ડાઉન,5 લાખ કરોડનું નુકસાન 

ફાઈલ તસવીર

અમેરિકાના કારણે ભારતના શેર-માર્કેટ ડાઉન, 5 લાખ કરોડનું નુકસાન 

નબળા વૈશ્વિક સંકેતોને કારણે ગુરુવારે સવારના ઉછાળા પછી ભારતીય શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના કારણે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ લગભગ 1045ના ઘટાડા સાથે બંધ થયો છે અને નિફ્ટી 331 અંકોના ઘટાડા સાથે બંધ થયો છે. પ્રોફિટ-બુકિંગને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સવારના ઊંચા સ્તરેથી 1767 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સર્વોચ્ચ સપાટીથી 528 પોઈન્ટ તૂટ્યો હતો.ગુરુવારે ટ્રેડિંગ સેશનના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1046 પોઈન્ટ ઘટીને 51,495 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 331 પોઈન્ટ ઘટીને 15,360 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેન્સેક્સ-નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ

ભારતીય શેરબજારમાં આજે ઓટો, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, બેન્કિંગ, આઈટી, મેટલ્સ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 3 શેર લીલા નિશાનમાં અને 47 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના તમામ 30 શેરો 1 લીલા નિશાનમાં અને 29 શેર લાલ નિશાનમાં બંધ થયા. 

જોવા જઈએ તો આજે યુરોપિયન દેશોના શેરબજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા છે. જેના કારણે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 52 સપ્તાહના નીચા સ્તરે આવી ગયા છે. મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં 4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમેરિકામાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો છે. યુએસ ફેડરલ બેંકે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો. આ નિર્ણયને કારણે ભારતીય બજાર પણ દબાણ હેઠળ છે. અમેરિકામાં વ્યાજ દરો વધારવાનો આ નિર્ણય ત્યાં વધી રહેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે લેવામાં આવ્યો છે. અમેરિકામાં મોંઘવારી દર 40 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને મે મહિનામાં તે 8.6 ટકા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *