નવી સંસદ ઉદ્ધાટનની પૂર્વસંધ્યાએ તમિલનાડુના અધિનામ્સ દ્વારા પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક સેંગોલ (Sengol) પ્રદાન કરાયો હતો જે નવી સંસદમાં સ્થાપિત કરાશે.
નવી સંસદના ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી મોદીને મળવા તેમના નિવાસસ્થાને તમિલનાડુના 21 અધિનામ (પંડિતો) આવ્યાં હતા. અધિનામ દ્વારા પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા હસ્તાંતરણનો સાંસ્કૃતિક વારસો એવા સેંગોલ (Sengol) (રાજદંડ) સોંપ્યો હતો. અધિનામ પાસેથી સેંગોલ સ્વીકારતાં પીએમ મોદી ખૂબ ખુશ જોવા મળ્યાં હતા. આ પહેલા પીએમ મોદીને સોનાનું અંગવસ્ત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈદિક રીતિ-રિવાજ પ્રમાણે તેમને અધિનમથી સેંગોલ પ્રદાન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અધિનામને મળીને તેમના આશીર્વાદ માંગ્યા હતા.
તમિલનાડુના મહંતોએ પીએમ મોદીને સોંપ્યો સેંગોલ
શું છે સેંગોલ (Sengol)
સેંગોલ એક પ્રકારનો રાજદંડ છે જે સત્તા હસ્તાંતરણનો સાંસ્કૃતિક વારસો છે. ગઈ કાલે સેંગોલની (Sengol) કેટલીક ખાસ તસવીરો પણ સામે આવી હતી. 5 ફૂટ લાંબા ચાંદીથી બનેલા આ સેંગોલને સોનાથી મઢવામાં આવ્યું છે. ઉપરના ભાગે નંદી બિરાજમાન છે અને તેની પર ધ્વજ બનાવાયેલો છે. તેની નીચે તમિળ ભાષામાં પણ કંઈક લખેલું છે. સેંગોલને પ્રયાગરાજથી લાવીને દિલ્હીના એક મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યો હતો. આ સેંગોલને (Sengol) 1947ની સાલમાં બનાવાયો હતો.
સંસદમાં સેંગોલ (Sengol) ક્યાં સ્થાપિત થશે?
સેંગોલને (Sengol) નવી સંસદમાં સ્થાપિત કરવામાં આવે તે પહેલાં ફરી એકવાર પવિત્ર જળથી શુદ્ધ કરવામાં આવશે. ફરી એક વાર સંસદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠશે. ફરી એકવાર સંસદમાં શંખનાદ થશે. આ બાદ તેને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવશે, જે તેને લોકતંત્રના નવા મંદિરમાં સ્થાપિત કરશે. લોકસભા અધ્યક્ષની ખુરશીની બાજુમાં પોડિયમ પર સેંગોલ લગાડવામાં આવશે.