દાહોદ
દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે છેલ્લા પાંચ દિવસથી જ્ઞાનવિજ્ઞાનનો પટારો તેમની શાળાએ જ પહોંચી રહ્યો છે. જિલ્લાની ૧૫ શાળાઓમાં અઢી હજારથી વધુ વિદ્યાર્થીઓ સુધી જોય ઓફ સાયન્સ – મોબાઇલ સાયન્સ લેબોરેટરી તેમની શાળાએ જ વિજ્ઞાન પરબ બનીને પહોંચી હતી. વિદ્યાર્થીઓએ પણ વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું પ્રદર્શન-પ્રશ્નોતરી-નિર્દશનમાં હોંશેહોંશે ભાગ લીધો હતો.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલિત વિક્રમ એ. સારાભાઇ કમ્યુનિટિ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન સરળ અને રસાળ શૈલીમાં શીખે એ માટે જોય ઓફ સાયન્સ- મોબાઇલ સાયન્સ લેબોરેટરી એક રીતે જોવા જઇએ તો હરતી ફરતી વિજ્ઞાનની પ્રયોગશાળા શાળાના વિદ્યાર્થીઓની જ્ઞાનપીપાસા સંતોષવાનું કામ કરે છે.
આ હરતી ફરતી પ્રયોગશાળા પાંચ જેટલા નિષ્ણાંતોની ટીમ સાથે દાહોદની ૧૫ જેટલી શાળાઓમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં અઘરા લાગતા વિજ્ઞાનના નિયમો સમજાવ્યા હતા. જેમાં ગરૂત્વાકર્ષણનો સિદ્ધાંત, સરફેસ ટેન્શન, ગતિના વિવિધ નિયમો, મોડેલ વોટર બુસ્ટર રોકેટ, ઓક્સિજન ગેસ બનાવવાના પ્રયોગો સહિતના વિવિધ પ્રાયોગિક કાર્યોનું સુંદર ઢબે નિષ્ણાંતો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ આપી તેમને આ નિયમોની સમજ પણ આપવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ જણાવ્યું કે, આ જોય ઓફ સાયન્સ – મોબાઇલ સાયન્સ લેબોરેટરીએ ગત તા. ૧૮ થી ૨૨ જાન્યુઆરી સુધી દાહોદ, લીમખેડા, ધાનપુર, ગરબાડાની ૧૫ જેટલી શાળાઓમાં વિવિધ વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન કર્યું હતું. વિવિધ શાળાઓના અઢી હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો હતો.
રિપોર્ટર કિશોર ડબગર દાહોદ