સુરત શહેર ના અડાજણ વિસ્તારમાં એક યુવક દ્વારા યુવતીને લિફ્ટમાં એકલી જોઈ વિકૃત હરકત કરતા યુવતી એ તરત ઘરે જઈ પોતાના માતા અને પિતાને સમગ્ર વાત કરતા માતા પિતા દ્વારા યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના અડાજણના પોશ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં જુનિયર ઇજનેર તરીકે નોકરી કરતા યુવાને લિફ્ટમાં એક તરુણી સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરી હતી. આખી ઘટના CCTV માં કેદ થઇ ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવતાં જ એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા અને હવસખોરને અડાજણ પોલીસને સોંપ્યો હતો.
અડાજણ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી 15 વર્ષીય તરુણી ટિફિન લેવા માટે નીચે જવાના ઇરાદે લિફ્ટમાં પ્રવેશી હતી. તે વખતે આ તરુણીના ફ્લેટની સામે જ રહેતો સાગર સુનીલ પટેલ દોડીને લિફ્ટમાં ઘૂસી આવ્યો હતો.
ઉતાવળે લિફ્ટમાં આવી ચડેલા યુવાને લિફ્ટમાં જ તરુણીની છેડતી કરી પોતાનું પેન્ટ અને અંડરવિયર ઉતારી અશ્લીલતાની હદ પાર કરી નાંખી હતી. આ યુવાનની વિકૃતિથી હેબતાઈ ગયેલી તરુણીએ લિફ્ટમાંથી બહાર નીકળી ત્વરિત માતા અને ભાઈને જાણ કરતાં જ એપાર્ટમેન્ટના રહીશો ભેગા થઇ ગયા હતા. લિફ્ટમાં CCTV કેમેરામાં ચેક કરતાં તેમાં પણ આ યુવાનની હરકતો કેદ થઇ ગઇ હતી. યુવકની હરકતથી રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રે અડાજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજની ક્લીપ સાથે ફરિયાદ નોંધાવતાં જ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.