ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બુધવારે એશિયા કપ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપની 2022ની સીઝનમાં દુબઈમાં હોંગકોંગ સામે તેની ટીમની ગ્રુપ A મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી. જાડેજાએ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે ખતરનાક દેખાતા બેટ્સમેન બાબર હયાતની વિકેટ લીધી હતી. જાડેજા તેની ચાર ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ 2010 થી 2022 દરમિયાન અત્યાર સુધીની છ એશિયા કપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. તેણે અત્યાર સુધીમાં 23 વિકેટ પોતાના નામે કરી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 22 વિકેટ લઈને ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને પાછળ છોડી દીધા છે. જાડેજાએ 2010માં તેના પ્રથમ એશિયા કપમાં ચાર વિકેટ લીધી હતી, ત્યારબાદ 2012માં એક, ટૂર્નામેન્ટની 2014ની આવૃત્તિમાં સાત વિકેટ, જ્યારે તેણે 2016માં ત્રણ વિકેટ ઝડપી હતી. આ પછી, તે 2018 એશિયા કપમાં સાત વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે જ વર્તમાન એશિયા કપમાં આ તેની પ્રથમ વિકેટ છે.
બોલ સાથે તેનો સૌથી સફળ એશિયા કપ 2018માં હતો. તે સિઝનની ચાર મેચોમાં તેણે 22.28ની એવરેજ અને 4.45ના ઈકોનોમી રેટથી સાત વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટમાં તેના શ્રેષ્ઠ બોલિંગ આંકડા 4/29 હતા. તે બોલિંગ ચાર્ટમાં પાંચમા ક્રમે હતો અને જસપ્રિત બુમરાહ (8) અને કુલદીપ યાદવ (10) પછી ટૂર્નામેન્ટમાં ભારતનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. જોકે એશિયા કપના ઈતિહાસમાં સૌથી સફળ બોલરોમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (30), લસિથ મલિંગા (29), અજંતા મેન્ડિસ (26) અને પાકિસ્તાનના સઈદ અજમલ (25) છે.
રવિન્દ્ર જાડેજા એશિયા કપમાં સારા ફોર્મમાં છે. પાકિસ્તાન સામે પણ રવિન્દ્ર જાડેજાએ ઓલ રાઉન્ડ પ્રદર્શન કર્યુ હતુ અને ટીમ ઇન્ડિયા માટે 33 રનની ઇનિંગ રમી હતી.