T20 ક્રિકેટને વિશ્વનો નવો નંબર-1 બોલર મળ્યો છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ હવે ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં બોલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે લાંબા સમયથી આ પદ પર રહેલા રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે. રવિ બિશ્નોઈના ખાતામાં હવે 699 પોઈન્ટ છે. તે રાશિદ ખાન (692) કરતા 7 રેટિંગ પોઈન્ટ આગળ નીકળી ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના વાનિધુ હસરાંગા (679) ત્રીજા સ્થાને, આદિલ રાશિદ (679) ચોથા સ્થાને અને મહિષ તિક્ષાના (677) પાંચમા સ્થાને છે. એટલે કે T20 ઈન્ટરનેશનલ બોલરોની રેન્કિંગમાં સ્પિનરો ટોપ-5માં સ્થાન ધરાવે છે.
Ravi Bishnoi No-1 in T-20 International Ranking
રવિ બિશ્નોઈને ઓસ્ટ્રેલિયા શ્રેણીનો ફાયદો મળ્યો
રવિ બિશ્નોઈને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સીરિઝથી ઘણો ફાયદો થયો છે. આ સિરીઝમાં બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી અને 5 મેચમાં 9 વિકેટ લીધી. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં રનોના ભારે વરસાદ વચ્ચે તે નિયમિત રીતે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
બોલિંગ એવરેજ 17 અને સ્ટ્રાઈક રેટ 14
રવિ બિશ્નોઈએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ સ્પિનરે ફેબ્રુઆરી 2022માં ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે તેની પહેલી જ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો. તેણે 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બોલર T20માં સતત તબાહી મચાવી રહ્યો છે. બિશ્નોઈએ અત્યાર સુધીમાં 21 મેચ રમી છે અને તેણે 17.38ની બોલિંગ એવરેજ અને 7.14ના ઈકોનોમી રેટથી કુલ 34 વિકેટ લીધી છે. તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 14.5 રહ્યો છે. એટલે કે તેણે દરેક 15મા બોલમાં એક વિકેટ લીધી છે.