Ratan Tata News | દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. રતન ટાટાનો પાર્થિવ દેહ સંપૂર્ણપણે રાજકીય સન્માન સાથે ગુરૂવાર સાંજે પંચમહાભૂતમાં વિલિન થયો છે. તેમની ઈચ્છા અનુસાર, તેમના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક અગ્નિદાહ આપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપ્યું હતું. આ અંગે ટાટા ગ્રૂપે માહિતી આપતા કહ્યું હતું કે અપાર દુઃખ સાથે અમે અમારા પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.
Ratan Tata : તેમના મૃત્યુના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ગરકાવ થયો છે. રતન ટાટાના સૌથી વધુ વિશ્વસનીય યુવા મિત્ર અને જનરલ મેનેજર શાંતનુ નાયડુ પણ ગમગીન જોવા મળ્યો હતો. ગુજરાત સહિત ઘણાં રાજ્યોએ એક દિવસનો શોક જાહેર કર્યો હતો. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે રતન ટાટાનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયુ હતું. થોડા દિવસ પહેલાં જ તેમનુ બ્લડ પ્રેશર ઘટી ગયુ હોવાથી આઈસીયુમાં દાખલ હોવાના અહેવાલો મળ્યા હતા. જો કે, બાદમાં ટાટાએ સ્પષ્ટતા કરતાં સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી કે, તેઓ સ્વસ્થ છે, માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં છે.