RAPAR APMC : રાપર APMCમાં 900થી સીધા 5000 રૂપિયા કરાયેલા ભાડા સામે વેપારીઓનો વિરોધ, અચોક્કસ મુદતની હડતાળ

RAPAR APMC : રાપર તાલુકામાં ખેતી એ મુખ્ય આવકનું સાધન છે. અહીં 90% આવક ખેતી આધારિત છે. રાપર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 65 વેપારીઓ 123 દુકાનોમાં વ્યવસાય કરે છે. હાલમાં APMCમાં વહિવટદાર શાસન છે. નાયબ નિયામક વહિવટદાર તરીકે અને ક્લાર્ક સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. વહિવટદાર અને ઈન્ચાર્જ સેક્રેટરીએ મનસ્વી નિર્ણય લઈને વેપારીઓ પાસેથી ગોડાઉન કે પેઢીના માસિક ભાડામાં મોટો વધારો કર્યો છે. 900 રૂપિયાના ભાડાને સીધું 5000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
વેપારીઓને સમયસર લાયસન્સ મળતું નથી અને રિન્યુઅલમાં પણ અડચણો ઊભી કરવામાં આવે છે. આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો વેપારીઓએ 26 એપ્રિલ 2025થી અચોક્કસ મુદત સુધી ખરીદ-વેચાણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ પણ નગરપાલિકા દ્વારા ફી મુદ્દે વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી હતી. APMCમાં ડાયરેક્ટર અને ચેરમેનની ચૂંટણી અંગે કોર્ટમાં જાહેર હિતની અરજી પેન્ડિંગ છે. વેપારી મંડળની બેઠકમાં એપીએમસી વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ, ગાંગજીભાઇ પટેલ, લખમણભાઈ કારોત્રા, ભરત ઠક્કર અને કિર્તી મોરબીયા હાજર રહ્યા હતા. જો આ મુદ્દે નિર્ણય નહીં લેવાય તો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવશે.