રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે.
ત્યારે રખડતાં ઢોર મામલે રાજકોટમાં પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે સવાલ કર્યો કે, કાયદા હોવા છતાં ગુનાઓ બંધ થયા છે? હત્યા અને આત્મહત્યા મામલે પણ કાયદાઓ છે, પરંતુ તેમ છતાં ગુનાઓ બંધ થાય છે? રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને ધીમે-ધીમે સુધારો થશે.
બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સે પણ સરકારની કામગીરી સામે સવાલ ઊઠાવતા કહ્યું કે, સરકારે રખડતાં ઢોર મામલે નક્કર પગલાં લેવાની જરૂર છે. રખડતાં ઢોરોને પકડ્યા બાદ છોડી મૂકવામાં આવે છે. મીડિયા અહેવાલ મુજબ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે સરકારની કામગીરી પર સવાલ કરતા કહ્યું કે, રખડતાં ઢોર મુદ્દે તંત્રે પગલાં લેવાની જરૂર છે.
હાઈકોર્ટે પણ લગાવી હતી ફટકાર
જણાવી દઈએ કે, રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. રાહદારીઓ પર રખડતાં ઢોરના હુમલાની ઘટના છાશવારે બનતી હોય છે. હાઈકોર્ટે પણ રખડતાં ઢોર મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને જલ્દી ચોક્કસ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને મુખ્ય શહેરોના માર્ગ પર રખડતાં ઢોર જોવા મળે છે. રખડતાં ઢોરના હુમલાથી કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. જણાવી દઈએ કે, અગાઉ સરકારે રખડતાં ઢોર મામલે એક બિલ પસાર કર્યું હતું, પરંતુ માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ ભાજપ સરકારને વિધાનસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થવાની આશંકાએ બિલ પરત ખેંચવાની ફરજ પડી હતી.