કચ્છના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થશે
કચ્છના રાજીબેન વણકરની બાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુંદર કામગીરી અર્થે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ૦૪ માર્ચ,૨૦૨૩ના રોજ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ દ્વારા કચ્છના રાજીબેન વણકરનું સન્માન કરવામાં આવશે.
ગુજરાત રાજ્યનો એક અનોખો જીલ્લો કચ્છ જ્યાં વિવિધ સંસ્કૃતિ અને વારસા સાથે લોકો વસવાટ કરે છે . જ્યાની પ્રજાએ અસંખ્ય દુષ્કાળ , ધરતીકંપ જેવી અનેક મુશકેલીઓનો સામનો કરી અને પોતાની સંસ્કૃતિ અને ઓળખને ટકાવી રાખી છે. એટલા માટે જ કચ્છની ધરતીને ખમીરવંતી કહેવામાં આવે છે.
એવા જ એક ખમીરવંતા બહેન , શ્રીમતી રાજીબેન વણકર જેમનો જન્મ ભુજ તાલુકાના કોટાય ગામમાં વર્ષ ૧૯૭૯મા થયો હતો. પરિવારમાં માતા-પિતા સાથે ૬ બહેનો અને ૧ ભાઈ સાથે પોતાનું બાળપણ વિતાવ્યું, અભ્યાસમાં ભણવાની ઈચ્છા બહુ જ પણ સામાજિક બંધન અને માળખાગત સુવિધાના અભાવના કારણે તેઓ માત્ર ૨ ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. મોટો પરિવાર અને ટૂંકી આવક હોય પોતે પણ તેમના માતા સાથે મજૂરી કામ કરવા જતા અને સાંજના સમયે પિતાજી સાથે વણાટકામ પણ કરતા હતા. વણાટકામમા લાંબા ઉનના દોરા અને તેમને કાંતવાની કામગીરી તેમને બહુ જ ગમતી અને તેઓ પિતાને કઈ નવી જ રીતે કાંતવાની વણમાંગી સલાહ આપતા
રાજીબેનના લગ્ન અંજાર તાલુકાના વીડી ગામ ખાતે મધ્યમ વર્ગ પરિવારમાં થયા. જ્યા એક નવા સ્વપ્ન સાથે રાજીબેન પોતાનો સંસાર માંડ્યો. તેમનું સ્વપન હતું કે “ મારી પાસે રહેલા હુનરને ઉજાગર કરી વણાટકામમા નવીન કામગીરી સાથે મારા પતિને ઘરની આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થઈશ અને મારી એક ઓળખ સ્થાપિત કરીશ. પણ કહેવાય છે ને કે, સમયથી પહેલા અને નસીબથી વધુ કોઈને કઈ મળતું નથી. રાજીબેન સાથે એવું બન્યું એક દિવસ તેમના પતિ મજુરી કામ પર જતા અચાનક છાતી પર દુ:ખાવો થતા ત્યાં જ તેમનું આકસ્મિક મૃત્યુ થયું. તેમના સાસુ દુનિયામાં રહ્યા ન હતા. હવે પરિવારમાં માત્ર દીકરા અને એક દીકરી ઘરમાં કમાનાર કોઈ રહ્યું ન હતું . આ ઘટના બાદ રાજીબેન પર દુ:ખનો આભ ફાટ્યું હોય તેવું લાગ્યું. રાજીબેનને વીડી ગામમા રહી રોજગારી માટે અન્ય કોઈ વિકલ્પ ન દેખાતા તે વર્ષ ૨૦૦૭માં ભુજ શહેર નજીક આવેલ અવધનગર ગામમાં વસવાટ કરી નાની –મોટી મજુરી કામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે અને બાળકોને સારું શિક્ષણ આપી શકે તે માટે રહેવા લાગ્યા.
રાજીબેન દિવસ – રાત મજુરી કામ કરતા અને જે થોડી આવક થતી તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ રાજીબેન વાત મળી કે તેમના ગામમા કોઈ સરકારી કર્મચારી આવવાના છે અને જે બહેનોને સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને સહાય અંગે માહિતી આપવાના છે. એ દિવસે રાજીબેન વહેલા ઘરકામ કરી ભાવનાબેનના ઘરે મીટીંગમાં હાજરી આપવા માટે પહોંચી ગયા. જ્યાં તેમને મિશન મંગલમ યોજના અંગેની માહિતી મેળવી અને બહેનો આર્થિક અને સામાજિક રીતે કેમ સશક્ત બની શકે તે બાબતે સમજાવવામાં આવ્યું . હજુ તો મીટીંગ ચાલુ જ હતી ત્યાં રાજીબેન ઉભા થયા અને કહ્યું કે “ હું મિશન મંગલમ યોજના સાથે જોડાઈ સખી મંડળ બનાવીશ તો મારી સાથે કેટલા બહેનો જોડાવવા માંગે છે ?
ત્યાં ઉપસ્થિત બધા બહેનો રાજીબેન સાથે જોડાવવા સહમત થયા અને “કુળદેવી સખી મંડળની” રચના કરવામાં આવી. જ્યાં રાજીબેનને મંડળના પ્રમુખ બનાવ્યા અને પ્રતિ માસ રૂ . ૫૦ / – થી દરેક બહેનોએ મંડળમાં બચત કરવાનું નક્કી કર્યું. નજીકની બેંકમાં મંડળનું બચત ખાતું ખોલાવવામાં આવ્યું. આમ કરતા ત્રણ મહિના વીતી ગયા ત્યાં મિશનમ મંગલમ યોજનાના ક્લસ્ટર કર્મચારી પાછા ગામની મુલાકાતે આવ્યા અને એ સમયે સાથે બહેનોને રોજગારી આપતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિને પણ સાથે લઇ આવ્યા. આ સંસ્થા હાથશાળ પર કામ કરી શકે તેવા બહેનોની શોધમાં હતી. તેમને બહેનોએ શું કામ કરવાનું છે ? અને તેમના માટે તેમને મહેનતાણું કેટલું મળશે કેવી રીતે મળશે ? વગેરે બાબતોને સમજાવી.
તાત્કાલિક રાજીબેન અને અન્ય કેટલીક બહેનો આ સંસ્થા સાથે જોડાઈ કામગીરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સમય વીત્યો અને રાજીબેનની ઈચ્છોઓમાં નવી પાંખો આવવા લાગી. વણાટકામમાં કઈક નવું કરવાની ઈચ્છા સંસ્થાના ડીઝાઇનર સામે વ્યક્ત કરી.
વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કેમ વિવિધ અને સારી વસ્તુઓ બનાવી શકાય તેની માહિતી પણ મહિલાઓને આપવામાં આવી. ગ્રામ સંગઠન દ્વારા કુળદેવી સખી મંડળને રૂ .૭૦,૦૦૦ કમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું. વધુમાં રૂ .૨,૦૦,૦૦૦ની કેશ ક્રેડીટ લોન મેળવી ઘર – ઘર ૧૦ જેટલી હાથશાળની અને જરૂરી રો – મટેરિયલની જથ્થામાં ખરીદી કરી ૧૫ બહેનોએ જાતે જ પોતાના ગામમાં પ્લાસ્ટિક વિવિંગની કામગીરી શરૂ કરી.
રાજીબેન બહેનોના ઉત્સાહ સાથે મળીને ખૂબ જ સારી ગુણવતા સાથે અવનવી વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા. રાજીબેનને પોતાના સ્વપ્ના સાકાર થતા હોય તેમ લાગ્યું અને તેમની સાથે જોડાયેલ અનેક બહેનોના સ્વપ્ન પોતે સાકાર કરશે તેવી નેમ સાથે આજે રાજીબેન ૩૫થી ૪૦ જેટલી બહેનોને રોજગારી આપી રહ્યા છે. પ્લાસ્ટિક એકઠું કરીને આપે તેમને પણ પ્રતિ કિલો દીઠ રૂ.૨૦ આપે છે . “ જે રાજીબેન એક સમયે ખુદ રોજગારી માટે ભટકતા તે આજે અન્ય બહેનોને રોજગારી આપી રહ્યા છે
જે જાત અનુભવ બાદ રાજીબેન તેમના જેવી અન્ય મહિલાઓને પણ આર્થિક અને સામજિક રીતે પગભર થવા મદદરૂપ થઇ રહ્યા છે. તેઓ વિવિધ પ્રદશન મેળામાં તેમજ ઓનલાઈન વેચાણમાં ભાગ લઇ પ્રતિ વર્ષ રૂ. ૮.૦૦ થી ૧૦.૦૦ લાખનો વેપાર કરી રહ્યા છે. રાજીબેને તેમની સાથે જોડાયેલ બહેનોને આકસ્મિક આફત સમયે બચતનું શું મહત્વ હોય છે અને નારી શિક્ષણની જરૂરિયાત અંગેની સમજ આપે છે. તેમની કામગીરી અને હિંમતને બિરદાવવા રાજ્ય સરકાર દ્વારા ૧. શ્રેષ્ઠ કામગીરી નારી એવોર્ડ ૨૦૨૧ GLPC, ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર, 2. Social Entrepreneur Award for Climate Friendly Innovation NABARD 3. Women Excellence Awards , Start – up & Innovation 2022 એનાયત કરવામાં આવેલ છે. હાલમાં રાજીબેન વણકરની બાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુંદર કામગીરી અર્થે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પણ પસંદગી કરાઈ છે. . ૦૪ માર્ચ,૨૦૨૩ના રોજ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ દ્વારા રાજીબેનને એવોર્ડ એનાયત કરાશે.