દેશમાં છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને સસ્પેન્સ ચાલી રહ્યું છે ત્યારે આજે રાજસ્થાનના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના ઉત્તેજના વચ્ચે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે હું આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીશ. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ નહીં બને.
કેરળમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં ગેહલોતે કહ્યું, “મેં ઘણી વખત રાહુલ ગાંધી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ અધ્યક્ષ બને. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ આ જ ઠરાવ પસાર કર્યો છે, પરંતુ તેઓએ તેનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં. ગેહલોતે કહ્યું કે, હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ તે નિશ્ચિત છે. હું ટૂંક સમયમાં જ નામાંકન ભરવાની તારીખ નક્કી કરીશ. તેમણે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા વિપક્ષને મજબૂત કરવાની જરૂર છે.