પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે યુએસમાં એક શીખ પરિવારના ચાર સભ્યોની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. અમેરિકાના કેલિફોર્નિયામાં આ સપ્તાહની શરૂઆતમાં અપહરણ કરાયેલી આઠ મહિનાની બાળકી સહિત પરિવારના ચાર સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા છે. મૃતકોની ઓળખ 36 વર્ષીય જસદીપ સિંહ, 27 વર્ષીય જસલીન કૌર, તેમની આઠ મહિનાની પુત્રી આરોહી અને બાળકના કાકા 39 વર્ષીય અમનદીપ સિંહ તરીકે થઈ છે.
માને વિદેશ મંત્રીને કરી આ અપીલ
શીખ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડા બ્લોકના હરસી પિંડનો રહેવાસી હતો. એક ટ્વિટમાં મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, “કેલિફોર્નિયામાં આઠ મહિનાના બાળક સહિત ચાર ભારતીયોની હત્યાના સમાચાર મળ્યા છે.” હત્યા પર શોક વ્યક્ત કરતા, તેમણે પંજાબીમાં એક ટ્વિટમાં કહ્યું, “વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને પણ અપીલ છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.”
સુખબીર સિંહ બાદલે પણ ટ્વીટ કર્યું
શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે પણ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રીય મંત્રી જયશંકરને ભારતીયોની સુરક્ષાનો મુદ્દો સંબંધિત અમેરિકી અધિકારીઓ સામે ઉઠાવવાનો આગ્રહ કર્યો. બાદલે ટ્વીટમાં કહ્યું, “આઠ મહિનાની આરોહી, તેના માતા-પિતા અને કાકા અમનદીપ સિંહનું અપહરણ અને ક્રૂર હત્યા એ વિશ્વભરના પંજાબીઓ માટે આઘાત અને ચિંતાનો વિષય છે. હું ડૉ. એસ. જયશંકરને આગ્રહ કરું છું કે તેઓ યુએસ એડમિનિસ્ટ્રેશન સાથે ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવે.”
યુએસ પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
આ મામલામાં અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચાર લોકોનું 3 ઓક્ટોબરે સાઉથ હાઈવે 59ના 800 બ્લોક પરથી બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. તે સમયે અધિકારીઓએ કોઈ શંકાસ્પદનું નામ આપ્યું ન હતું. સોમવારે મોડી રાત્રે આ પરિવારની કાર બળેલી હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત આ અપહરણ કરાયેલા લોકોમાંથી એકનું એટીએમ પણ વાપરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી એટીએમનો ઉપયોગ કરનાર શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.