
ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ દ્વારા ‘સર્જક સાથે સંવાદ’ અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો
અમદાવાદ: ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો: ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી પત્રકારત્વના બદલાતા સ્વરૂપ, વર્તમાન પ્રવાહો અને ટેક્નોલોજીના પ્રભાવ અંગે વરિષ્ઠ પત્રકારો અને મીડિયા તજ્જ્ઞોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવાદ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વરિષ્ઠ પત્રકાર અને મીડિયા તજ્જ્ઞ નરેશ દવેએ જણાવ્યું હતું કે, “કન્ટેન્ટ ઈઝ કિંગ; તમારું કન્ટેન્ટ મજબૂત હશે તો જ તમે સ્પર્ધામાં ટકી શકશો.” જ્યારે વરિષ્ઠ સંપાદક અને પત્રકાર અજય નાયકે જણાવ્યું હતું કે, “માધ્યમ ભલે બદલાય પરંતુ કન્ટેન્ટની ગુણવત્તા અને વિશ્વસનીયતા સૌથી વધુ મહત્વની છે.”
સેમિનારમાં પત્રકારત્વના વર્તમાન પડકારો, ડિજિટલ માધ્યમોના વધતા પ્રભાવ અને ભવિષ્યની દિશા અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ સહિત માહિતી વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, પત્રકારત્વ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો