રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રથમ વખત કરશે રાષ્ટ્રને સંબોધન, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાજધાની દિલ્લીથી આપશે રાષ્ટ્ર જોગ સંદેશ

સમગ્ર દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. આ ઉજવણીને યાદગાર બનાવવા આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. ત્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રથમ વખત દેશવાસીઓને સંબોધિત કરવાના છે.

દ્રૌપદી મુર્મૂ ગયા મહિને 25 જુલાઈના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ બન્યા હતા. મુર્મૂ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર સૌથી યુવા મહિલા છે ઉપરાંત આદિવાસી સમાજમાંથી આવનારી પ્રથમ મહિલા પણ છે. દ્રૌપદી મુર્મૂ એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે જેનો જન્મ દેશને આઝાદી મળ્યા બાદ થયો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન આજે સાંજે 7 વાગ્યે રાજધાની દિલ્હીથી શરૂ થશે. રાષ્ટ્રપતિનું સંબોધન પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજી ભાષામાં દૂરદર્શનની તમામ ચેનલો અને ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગ્યાથી પ્રસારિત કરવામાં આવશે. તે બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે.

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન સાંભળવા માટે દેશવાસીઓ પણ ખૂબ આતુર છે કારણ કે તેઓ પ્રથમ વખત દેશને સંબોધન કરવા જઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *