જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી. પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 5 જવાનો શહીદ થવાની જાણકારી છે. ઘટનાની જાણ થતા જ આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. જેમાં હવે આતંકી હુમલાના કારણે જવાનો શહીદ થયા હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો મુજબ આ હુમલા પાછળ આતંકી સંગઠન PAFFએ જવાબદારી લીધી છે.
બપોરે આતંકીઓએ ગાડી પર ગોળીબાર કર્યો
સેના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, આજે લગભગ બપોરે 3 વાગ્યે રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે હાઈવે પરથી પસાર થઈ રહેલા સેનાના એક વાહન પર અજ્ઞાત આતંકવાદીઓએ ગોળીબારી કરી. આતંકવાદીઓએ કદાચ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો, જેના કારણે વાહનમાં આગ લાગી ગઈ. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવતા આ આતંકી હુમલો થયો.
1 જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ વિસ્તારમાં કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ જવાન આ ઘટનામાં શહીદ થઈ ગયા. જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. જેને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે. આતંકીઓની શોધખોળમાં સર્ચ ઓપરેશાન ચલાવાયું છે.