ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને તાજેતરમાં કાર્યકાળન વધારી આપ્યો હોવાના અહેવાલો હતા, પરંતુ હવે તેમને વધુ એક પૂર્ણ કાર્યકાળ આપવાની ચર્ચા છે. પાર્ટીના સૂત્રો અનુસાર, લોકસભાની ચૂંટણી પછી રાજ્યની ચૂંટણીઓ સતત યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપ સંગઠન ચૂંટણીમાં પડવા માંગતું નથી. તેના બદલે, ભાજપનો પ્રયાસ હાલના સંગઠનને જાળવી રાખવા અને રાજ્યની ચૂંટણીમાં તેની તમામ તાકાત લગાવવાનો છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં ભાજપ ઇચ્છતી નથી કે ચૂંટણી પહેલા કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે. આ પછી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક જેવા મહત્વના રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને તેલંગાણા સહિત કુલ 11 રાજ્યોની ચૂંટણી 2024ની સામાન્ય ચૂંટણી પહેલા યોજાવાની છે.
આવી સ્થિતિમાં, ભાજપ ઇચ્છતી નથી કે ચૂંટણી પરિણામોમાં કોઈ નબળાઈ જોવા મળે કારણ કે તેનાથી 2024 વિશેની તેમની ધારણા ખરાબ થશે. આ જ કારણ છે કે જેપી નડ્ડાને સતત બીજી ટર્મ આપવાનો વિચાર ચાલી રહ્યો છે. પાર્ટીનું બંધારણ એ પણ મંજૂરી આપે છે કે કોઈપણ નેતા સતત બે ટર્મ સુધી ચૂંટણી વિના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી શકે છે. જેપી નડ્ડાને જુલાઈ 2019માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે અમિત શાહની સરકારમાં એન્ટ્રી થઈ હતી. આ પછી, જાન્યુઆરી 2020 માં, જેપી નડ્ડાને પૂર્ણ સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી મળી. ત્યારથી, તેમણે યુપી સહિત ઘણા મોટા રાજ્યોમાં પાર્ટીને મોટી જીત અપાવી છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે જો સંગઠનની ચૂંટણી યોજાવાની હોત તો અત્યાર સુધીમાં રાજ્યોમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોત. તેનું કારણ એ છે કે રાજ્યોમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના 6 મહિના પહેલા શરૂ થાય છે. આ શરૂ થઈ નથી, જે દર્શાવે છે કે નડ્ડાને બીજી ટર્મ મળશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ભાજપ દ્વારા આવા ઘણા વરિષ્ઠ નેતાઓને રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જેઓ લાંબા સમયથી કોઈ મહત્ત્વની જવાબદારીથી દૂર હતા. સંગઠનમાં જેપી નડ્ડાના નેતૃત્વમાં તમામ ફેરફારો સાથે, એવું પણ માનવામાં આવે છે કે તેઓ બીજી ટર્મ માટે અધ્યક્ષ બની રહેશે.