દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ સરકારની વીજળી સબસિડી યોજનાની તપાસના આદેશ આપ્યા છે.
હવે આ મામલે અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા આવી છે અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કેજરીવાલે આજે એક ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતને “AAP”ની મફત વીજળીની ગેરંટી ખૂબ જ પસંદ આવી રહી છે. એટલા માટે ભાજપ દિલ્હીમાં મફત વીજળી રોકવા માંગે છે. દિલ્હીના લોકો, વિશ્વાસ રાખજો. હું કોઈ પણ સંજોગોમાં તમારી મફત વીજળી બંધ થવા દઈશ નહીં. ગુજરાતના લોકો, હું તમને ખાતરી આપું છું કે સરકાર બનશે તો 1 માર્ચથી તમારી વીજળી પણ ફ્રી થઈ જશે.
અન્ય એક ટ્વિટમાં કેજરીવાલે લખ્યું, તમે દરેક વસ્તુ પર આટલો ટેક્સ લગાવી દીધો. આટલી વધારે મોંઘવારી કરી દીધી. લોકોનું લોહી ચૂસી રહ્યા છો. એવામાં હું મારા લોકોની વીજળી મફત કરીને થોડી રાહત આપું છું તો તે પણ તમારાથી સહન નહીં થતું? એ પણ તમે રોકવા માંગો છો? આવું હું કોઈ પણ સંજોગોમાં નહીં થવા દઉં.
શું છે સમગ્ર મામલો
દિલ્હીના વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવને આ આરોપોની તપાસ કરવા કહ્યું છે, જે મુજબ વીજ વિતરણ કંપનીઓને સબસિડીની રકમની ચુકવણીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. તેમણે મુખ્ય સચિવ પાસેથી 7 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. ઉપરાજ્યપાલે મુખ્ય સચિવને કહ્યું કે તો એ મામલાની તપાસ કરે કે જ્યારે 2018માં ડીઈઆરસી એટલે કે દિલ્હી ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને દિલ્હી સરકારને કહ્યું હતું કે તે વીજળી પર આપવામાં આવતી સબસિડી ડીબીટીમાં એટલે કે સીધા ગ્રાહકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકે છે. જેમ કે એલપીજીના કિસ્સામાં કરવામાં આવે છે, તો પછી તેને અત્યાર સુધી કેમ લાગુ કરવામાં આવ્યું નથી? જાણીતા વકીલો, ન્યાયશાસ્ત્રીઓ અને કાયદાના વ્યાવસાયિકોએ આક્ષેપ કર્યો છે કે આ ભ્રષ્ટાચારનો સૌથી મજબૂત કેસ છે.
ઉપરાજ્યપાલના જણાવ્યા અનુસાર, તેમના સચિવાલયને આ મામલે મોટા કૌભાંડની ફરિયાદ મળી છે. આરોપ મુજબ, આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશનના ઉપાધ્યક્ષ જાસ્મીન શાહ, આમ આદમી પાર્ટીના સાંસદ એનડી ગુપ્તાના પુત્ર નવીન ગુપ્તા… આ બંનેને બીઆરપીએલ અને બીવાયપીએલમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા અને તેઓએ મોટું કૌભાંડ કર્યું. આ ડિસ્કોમ કંપનીઓ અનિલ અંબાણી ગ્રુપની છે, જેમાં દિલ્હી સરકારની 49% ભાગીદારી છે.