વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ:PMના જન્મદિને 5 લાખ યુનિટ એકત્ર કરાશે

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ:PMના જન્મદિને 5 લાખ યુનિટ એકત્ર કરાશે

આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા- અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) અને અલગ અલગ 50 સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ 2.0″ અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ કરાવવામાં આવશે. એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી એમ 12 કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

મેગા બ્લડ ડોનેશન ફાઉન્ડર રાજેશ સુરાણાએ જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશ્વના સૌથી મોટા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રક્તદાન અમૃત મહોત્સવ 2.O અંતર્ગત મેગા રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવશે. 17 સપ્ટેમ્બરના રોજ બુધવારે વડાપ્રધાન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કાર્યક્રમમાં છે ત્યાંથી તેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે. કેમ્પ, જેમાં 5 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે. એના માટેના રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાંચથી સાત હજાર જેટલા લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો પણ આ બ્લડ કેમ્પમાં હાજરી આપશે. ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પનું એકસાથે આયોજન કર્યું છે. જો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે અને કોલ્ડ પ્લે માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય તો આ બ્લડ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં અમદાવાદીઓ આવશે. મેગા બ્લડ કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે એ ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પ્રોસેસ કરીને જે પણ વ્યક્તિને આ બ્લડની જરૂર હશે એ બ્લડ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા, સુરત, રાજકોટ વગેરે બ્લડ બેંકો આમાં જોડાશે.

અમદાવાદના દરેક નાગરિકને આ રક્તદાન મહોત્સવમાં જોડાઈને ઇતિહાસ રચવાનો પણ અવસર છે. પ્રથમ વખત રક્તદાન કરનારાઓ માટે આ ઐતિહાસિક ક્ષણ છે, જેઓ જ્યાં તેઓ પોતાનું પ્રથમ રક્તદાન યાદગાર બનાવી અન્ય કોઈ અજાણ્યા જીવમાં પ્રકાશ પાથરી શકે છે. આયોજન કરવા પાછળનો હેતુ દરેક લોકોને જરૂર પડે ત્યારે રક્ત મળી રહે એ માટેનું છે. એકમાત્ર ફોનથી તમામ લોકોને રક્ત મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

તેરાપંથ યુવક પરિષદના કાર્યકર્તા મુકેશ ગુગલિયાએ જણાવ્યું હતું કે સૌથી મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની તમામ બ્લડ બેન્કો આવવાની છે. અમે લોકોને બ્લડ કેમ્પમાં લાવવાનું અને તેમને બ્લડ અપાવવાનું કામ કરીશું. લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવે તો તેઓ પોતે જગ્યા ઉપર પણ આવીને રજિસ્ટ્રેશન કરાવી શકશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પાર્કિંગમાંથી જ્યાં કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યાં લાવવા-લઈ જવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સ્ટેડિયમમાં ઉપર પ્રવેશવાની સીડી અને પિલરનો ભાગ છે ત્યાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને બ્લડ આપવાનું છે તેમના માટે ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે કોઈપણ ઈમર્જન્સી થશે તો તેના માટેની પણ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારનો પણ ખૂબ સારો અમને સહકાર મળી રહ્યો છે. અમે તમામ યુવાઓને પણ અપીલ કરીએ છીએ કે આ રક્તદાનમાં જોડાય.

સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના બ્લડ બેન્કના ડો. પરેશ વ્યાસે જણાવ્યું હતું કે પ્રથમ વખત આટલો મોટો મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમે એમાં મોટો વિશાળ એક કોલ્ડ રૂમ પણ બનાવીશું, જ્યાં આ બ્લડ રાખવામાં આવશે. એકત્રિત કરવામાં આવેલા બ્લડનો કોઈ વ્યય ન થાય અને 12 કલાકનો સમયગાળો છે ત્યારે એને સાચવવા માટે થઈને વિશાળ કોલ્ડ રૂમ પણ બનાવવામાં આવશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *