PM રાજ્યમાં ફરી એકવાર કઈંક નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠક પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલ અને PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. જોકે PM મોદી, ગૃહમંત્રી શાહ અને CM ભુપેન્દ્ર પટેલ 3 કલાક ચાલેલી આ બેઠક બાદ હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગઈકાલે દિલ્હીમાં મેરેથોન બેઠક મળી હતી. આ તરફ 3 કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિને લઈ ચર્ચાની અટકળો છે તો ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ સાથે વાયબ્રન્ટ ગુજરાતને લઈ બેઠકમાં ચર્ચા થઈ તો ગુજરાતમાં બાકી બોર્ડ નિગમની નિમણુંકો બાબતે પણ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા અનેક સવાલોના જવાબ મળી શકે તેવી ચર્ચા છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અંગે PM મોદીને માહિતી આપી હતી, ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. PM મોદી અને CMની લાંબી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે. સરકાર અને સંગઠનના મોરચે મોટા ફેરબદલ થઈ શકે છે.