PM MODI WILL ADDRESS 1 LAKH PEOPLE : 25મીએ PM મોદીની સભાને લઈ અમદાવાદમાં વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ, સભાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ.

PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન 25મીએ સાંજે 4.30 વાગ્યે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 1 લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રુફ જર્મન ડોમ બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
PM MODI : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના છ મહિના પહેલા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મેંગો સિનેમાથી ભક્તિ સર્કલ તરફ જવાના રોડ ઉપર આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાવાની છે, જેના માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રીંગરોડથી નજીક અને વિશાળ ગ્રાઉન્ડ હોવાના કારણે આ ગ્રાઉન્ડને પસંદ કરવામાં આવ્યું છે. પહેલા નિકોલ ડિ-માર્ટ સામેના ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં વરસાદના કારણે ખૂબ જ કાદવ કિચડ અને ઝડપી કામગીરી થઈ શકે તેમ ના હોવાથી ગ્રાઉન્ડ બદલવામાં આવ્યું હતું.
PM MODI : વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ગ્રાઉન્ડ ખાતે ડોમ બનાવવાની તૈયારી થઈ રહી છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પણ શહેરમાં વડાપ્રધાનના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડની સામેના ભાગે આવેલા રોડ ઉપર બે પ્લોટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
PM MODI : શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનની જાહેર સભાને લઈને અત્યારથી જ તૈયારીઓ અને વિવિધ આયોજનો માટે બેઠક કરવામાં આવી રહી છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા પૂર્વ વિસ્તારની નરોડા, નિકોલ, ઠક્કરબાપાનગર, વટવા, બાપુનગર વિધાનસભાના ધારાસભ્યો કોર્પોરેટરો અને શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરીને જાહેર સભાને સફળ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
PM MODI : આગામી દિવસોમાં શહેરના નિકોલ અને નરોડા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા નાના મોટા 1000થી વધારે બેનરો લગાવવામાં આવશે. નિકોલ વિસ્તારમાં ફ્લેટો અને સોસાયટીઓમાં ભાજપ દ્વારા મિટિંગો કરીને લોકોને આવવા માટે જાણ કરવામાં આવશે. ભાજપના વોર્ડ લેવલથી લઈને તમામ હોદ્દેદારો દ્વારા મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવા મોરચા દ્વારા જાહેર સભાને લઈને પણ બેઠકો અને સંખ્યા કરવા માટેની તૈયારી શરૂ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થતા ન હોવાના અને ધીમી ગતિએ થયેલા કામોના કારણે લોકોમાં ભાજપના ધારાસભ્યોથી લઈને કોર્પોરેટરો બાબતે ખૂબ જ નારાજગી છે જેથી પ્રજાનો રોષ ઠારવા માટે નિકોલમાં જ સભાનું આયોજન કરાયું છે.