વતનમાં વડાપ્રધાન : અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું છે જ્યા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે
PM visit Gujarat : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર જ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સ્થળે પહોંચ્યા છે. એરપોર્ટ ખાતે પીએમ મોદી 20 હજાર જેટલી મહિલાને સંબોધન કરવાના છે. લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવી આવી રહ્યા હોવાથી મહિલાઓ દ્વારા તેમનું અભિવાદન કરી રહી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે. દરમિયાન ભાજપના સંગઠન સાથે બેઠક યોજે તેવી પણ શક્યતા છે. આવતી કાલે તેઓ બોડેલી અને વડોદરા ખાતે 400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી
આવતી કાલે સવારે 10 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી સાયન્સ સિટી ખાતે કરવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદી હાજરી આપશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી અત્યાર સુધીની વાઈબ્રન્ટ ગુજરાત સમિટની એડિશનમાં કામ કરી ચૂકેલા રાજ્ય સરકારના અધિકારીને સન્માનિત કરશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો, શિક્ષણવિદો, કલાકારો, સાહિત્યકારો તથા સામાજિક અગ્રણી ઉપસ્થિત રહેશે. જાન્યુઆરી 2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગેટવે ટુ ફ્યૂચર થીમ આધારિત રહેશે. તે પૂર્વે પીએમ મોદી ભૂતકાળમાં થયેલી તમામ સમિટની ફલશ્રુતિ પર ચર્ચા કરશે.
નારી વંદના કાર્યક્રમ યોજાશે
આ કાર્યક્રમ બાદ વડા પ્રધાન મોદી છોટાઉદેપુરના બોડેલી ખાતેના કાર્યક્રમ માટે રવાના થશે. જ્યાં 5,206 કરોડનાં વિકાસ કામનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવા વર્ગ ખંડ, સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યૂટર લેબ જેવી સુવિધાની ભેટ આપશે. 7,500 ગામમાં 20 લાખ લાભાર્થી માટે વાઈ ફાઈ સુવિધાનું લોકાર્પણ કરશે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં નારી વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે એક લાખ મહિલા ઉપસ્થિત રહી વડા પ્રધાનનું અભિવાદન કરશે.
વિકાસ કાર્યોની ભેટ
વડા પ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4,505 કરોડનાં વિવિધ શૈક્ષણિક વિકાસ કાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત,પીએમ મોદી માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમ જ પાણી પુરવઠા વિભાગનાં વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કરશે.