છેલ્લા કેટલાક મહિનાથી આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવાની સરકારની સુચનાને પગલે અનેક પાનકાર્ડ ધારકો દોડતા થયા છે અને આગામી 31મી માર્ચ સુધી જો લિંક ન થાય તો રૂા. 10 હજાર દંડ થશે તેવી અફવાએ સિનિયર સિટીઝનો સહિતના લોકોને ઇન્કમ ટેક્સ કચેરી સુધી દોડતા કરી મુક્યા છે.
10 હજાર દંડ થશે તેવી અફવાએ સિનિયર સિટીઝનો સહિતના લોકોને ઇન્કમ ટેક્સ કચેરી સુધી દોડતા કરી મુક્યા
કેન્દ્ર સરકારના આયકર વિભાગ દ્વારા પાનકાર્ડધારકોએ આધારકાર્ડ સાથે લિંક કરવાનો આદેશ બહાર પડાયો છે, પરંતુ મોટાભાગના પાનકાર્ડ અને આધારકાર્ડમાં નામ, અટક, જન્મતારીખ જેવી વિગતોમાં વિસંગતતા હોવાથી આધારકાર્ડ સાથે લિંક થઈ શકતી નથી, તો અગાઉ બેંકો દ્વારા જેતે વખતે કેવાયસીના નામે આવી વિસંગતતાઓવાળી વિગતો ખાતાધારકો પાસેથી સ્વીકારી લીધી હતી, પણ હવે જ્યારે આયકર વિભાગની લિંક કરવાની સૂચના આવી છે ત્યારે બેંકો પણ હાથ ઊંચા કરી ખાતાધારકોની દોડતા કરી મુક્યાં છે. વળી, અગાઉ આ લિંકની કામગીરી નિ:શુલ્ક થઈ જતી હતી,
પરંતુ કેટલાક આળસુ પાનકાર્ડધારકો જાગૃત ન થતાં સરકારે રૂા. 500 અને બાદમાં એક હજાર રૂપિયા પેનલ્ટી પેટે ઉઘરાવવાનું ચાલુ કર્યું છે જેને પગલે લોકો પાનકાર્ડ સુધારણા કેન્દ્રો પર લાઈનો લગાવી રહ્યા છે, જોકે, આ રકમ ઘણી વધુ હોવાનોયે કચવાટ લોકોમાં ફેલાયો છે, અને પેનલ્ટીની રકમ ઓછી કરવા પણ માંગ ઉઠી રહી છે, તો કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા વળી એવી અફવા ફેલાવાઈ રહી છે કે, જો 31મી માર્ચ સુધી આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં થાય તો રૂા. 10 હજારની પેનલ્ટી ભરવી પડશે અને પાનકાર્ડ બંધ થઈ જશે. ભુજમાં પાનકાર્ડ સુધારણા માટે 10થી 15 સેન્ટર આવેલા’ છે જેના પર સુધારણાની કામગીરી થઈ રહી હોવાનું સેન્ટરના કનૈયાભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.
જેને પગલે તંત્ર હરકતમાં પણ આવ્યું હતું તેમ છતાં હજુ પણ સૂત્રો થી મળતી માહિતી મુજબ કેટલાક સ્થળે નિયત કરતાં વધુ રકમ ઉઘરાવાતી હોવાની રાડ ઉઠી રહી છે. આ અંગે ભુજના ઇન્કમ ટેક્સ અધિકારી સચદેવ શર્માનો સંપર્ક સાધતાં તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, પાનકાર્ડ બંધ કરવા કે રૂા. 10 હજાર પેનલ્ટીની કોઈ વાત જ નથી. જો કોઇના પાનકાર્ડ અને આધારકાર્ડમાં નામ, અટક, જન્મ તારીખમાં વિસંગતતા હશે તો લિંક નહિ થાય, તેથી બંને કાર્ડની વિગતો એક સરખી કરવા સુધારા કરવા પડશે ત્યારબાદ જ તે લિંક થઈ શકશે. હા, હાલ રૂા. એક હજાર ભરવાના છે તેની પણ સરકાર દ્વારા રસીદ આપવામાં આવે છે.