OUR GUJARAT : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરાના દિવ્યાંગ ચેસ પ્લેયર દર્પણ ઈનાનીને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી

OUR GUJARAT : દર્પણની ચેસ ક્ષેત્રે રેટેડ ઓપન સાઈટેડ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય દ્રષ્ટિહીન ખેલાડી બનવા સહિત આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ
વડોદરાના જાણીતા દિવ્યાંગ ચેસ પ્લેયર દર્પણભાઈ ઈનાનીને રેટેડ ઓપન સાઈટેડ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય દ્રષ્ટિહીન ખેલાડી બનવા સહિત આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તરે અનેક ઉમદા સિદ્ધિઓ બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દર્પણભાઈને સંબોધિત પત્રમાં જણાવ્યું હતું કે, આપે મેળવેલ વિજય દેશ અને રાજ્યનું ગૌરવ છે. ઓગસ્ટ ૨૦૧૮માં ફ્રાન્સમાં આયોજિત ક્રિઓન ઓપન ટુર્નામેન્ટમાં વિજયી બની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય દ્રષ્ટિહીન ખેલાડી બનવાનું ગૌરવ અપાવ્યું છે. આપની દ્રષ્ટિહીન હોવા છતાં ચેસમાં આપે જે સફળતા પ્રાપ્ત કરી છે, તે સકારાત્મક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડે છે અને અન્ય દિવ્યાંગજનોને પણ પ્રેરણા પૂરી પાડે છે.”
પત્રમાં ખાસ કરીને ૨૯ ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાન આયોજિત દ્રષ્ટિહીન રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપમાં દર્પણભાઈ ઈનાનીએ રાષ્ટ્રીય સ્તરે મેળવેલી સફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને દ્રષ્ટિહીન રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે.
વડોદરાના શતરંજના બાદશાહ, દર્પણભાઈ ઈનાનીએ ચેસમાં અનેક સિદ્ધિઓ મેળવી છે, જેમાં ૨૦૧૩માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને ૨૦૧૮માં ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય ઓપન ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાનનો સમાવેશ થાય છે.
દર્પણભાઈ માત્ર ચેસ પ્લેયર જ નહીં, પરંતુ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે અને ભારતીય દ્રષ્ટિહીન ચેસ ખેલાડીઓમાં તેમનું રેટિંગ સૌથી વધુ છે.
આ અભિનંદન પત્ર દર્પણભાઈની અદભૂત સિદ્ધિઓ અને તેમના અદમ્ય ઉત્સાહને ખરા અર્થમાં બિરદાવી રહ્યો છે.