ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે
ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ NACP અકાદમીનું ભૂમિપૂજન-શિલાન્યાસ અને જખૌ કોસ્ટલ પોસ્ટ અને લખપતવારી ખાતે ઓ.પી. ટાવરનું ઈ-ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે દરિયાઈ સરહદોની સુરક્ષામાં વધારો કરતી ઓખા ખાતે NACP રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનુ ભૂમિપૂજન કર્યું હતું. દરિયાઈ સુરક્ષામાં સેવારત જવાનોને તાલીમ આપવા માટેની આ એક મહત્વની રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થા બનશે.
ઓખા નજીક મોજપ ખાતે બીએસએફ આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીએ કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી બીએસએફ ની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટ, NACP સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક ઓપી ટાવરનું ઈ-ઉદઘાટન પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે સગૌરવ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી NACP રાષ્ટ્રીય કક્ષાનું સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર ઓખા ખાતે બનવા જઈ રહ્યું છે. જેનાથી સાતત્ય પૂર્ણ તટીય સુરક્ષાના પાઠ જવાનો એક છત્ર નીચે ભણશે. શ્રી અમિતભાઇ શાહે દેશની સરહદ અને વિકાસ વચ્ચે સંબંધ હોવાનું જણાવી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યકાળમાં દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને દેશ વધુ મજબૂત બન્યો છે જેના પરિણામે દેશના વિકાસમાં હરણફાળ જોવા મળે છે.
દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને સચેત બની હોવાનું ઉદાહરણ આપતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે હાલમાં જ કેરળમાંથી ૧૨ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાંત છેલ્લા થોડા સમયમાં જેટલું ડ્રગ્સ પકડાયું છે તેટલું અગાઉની સરકારમાં ક્યારેય પણ ડ્રગ્સ પકડાયું નથી. તેમજ ભૂતકાળ કરતાં અત્યારે દેશની દરિયાઈ સીમા વધુ મજબૂત બની છે તેમ પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ રૂપે ‘તટિય સુરક્ષા નીતિ’ અંતર્ગત તટ રક્ષક દળ, નૌસેના, કોસ્ટ ગાર્ડ અને મછવારાના સહિયારા પ્રયત્નોથી દેશની દરિયાઈ સીમાને વધુ શુદ્રઢ રીતે સુરક્ષિત બનાવવાનો પ્લાન કરાયો હોવાનું પણ આ તકે જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રહરીઓની ચિંતા કરી છે અને તેઓની સુવિધાઓમાં વધારો કરી તેમના પરિવારજનોની સારી રીતે સાર સંભાળ કરવામાં આવી રહી હોવાનું સાથોસાથ સુરક્ષા માટે જરૂરી આધુનિક સાધનો સેનાને પૂરા પાડ્યા હોવાનું પણ ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગૃહમંત્રીશ્રીએ બી.એસ.એફ ના જવાનોની શૌર્ય ગાથાને પણ બિરદાવી હતી.
તેઓએ વધુમાં કહ્યું કે આપણા દેશની સીમાઓ બહુ વિશાળ છે જ્યારે દરિયાઈ સીમા સાત હજાર કિલોમીટરથી વધુ લાંબી છે. જેમાં અનેક ગામો ટાપુઓ અને ઔદ્યોગિક ઝોન આવેલા હોય તેઓની મજબૂતાઈ રીતે સુરક્ષા કરવી એટલી જરૂરી છે.
બીએસએફના જવાનોની સીમાઓને સુરક્ષિત રાખવાના અભિગમની સરાહના કરી આ એકેડમીના સ્થાપનાની પ્રક્રિયામાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી નજીક તેઓના હસ્તે રાષ્ટ્રીય એકેડેમીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે અંગે તેઓએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી. દ્વારકા અને ઓખા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાની તટ રક્ષકીય પોલીસ એકેડેમી થવા જઈ રહી હોય અહીં પ્રતિ વર્ષ 3000 જેટલા જવાનોને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે ત્યારે આવનારા સમયમાં દરિયાઈ સીમાઓ વધુને વધુ મજબૂત બનશે તેમ ગૃહ મંત્રીશ્રીએ વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ તકે કચ્છ ક્રિક વિસ્તારમાં ૫૬ કરોડના ખર્ચે નિર્મિત આઉટ પોસ્ટ તેમજ ઓપી ટાવરની સુવિધા અંગેની વિડિયો ફિલ્મ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું.
NACP બી.એસ.એફના મહાનિર્દેશક ડૉ.સુજોયલાલ થાઉસેનએ સ્વાગત પ્રવચન તેમજ બીએસએફની કામગીરી અંગે માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પુલીસિંગ (NACP) ની સ્થાપના ૦૯ કોસ્ટલ રાજ્યો, ૦૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે. ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ. ૪૪૧ કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
NACP આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રી પબુભા માણેક, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા, બીએસએફના ડીજી ડો. સુજોય લાલ થાઉસેન, એડીજી શ્રી પી. વી. રામા શાસ્ત્રી, આઈજી શ્રી રવિ ગાંધી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભુપેશ જોટાણીયા, રેન્જ આઇ.જી શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.