NEWS: ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અંતગૅત મહેસૂલ વિભાગ તરફથી એકત્રિત થયેલ લોકફાળાની રકમ 400 લાખનો બેંકસૅ ચેક 12 મે 2023ના રોજ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના હસ્તે કુ. આલિયાબાનુ ઐયુબભાઈ પટેલને એનાયત કરીને નિયત સમયગાળામાં એમ.બી.બી.એસ અભ્યાસક્રમની શૈક્ષણિક ફી એકત્રિત થયેલ લોકફાળામાંથી ચૂકવી સક્રિયપણે નિરંતર અભ્યાસ કરી તેણી ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરૂ કરવામાં સફળતા મેળવે અને ભવિષ્યમાં દેશ તથા સમાજના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે એવી શુભેચ્છા જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા પાઠવવામાં આવી છે.
NEWS: મૂળ વાત પર આવીએ તો 12 મે 2022, ગુરુવારના રોજ દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં તથા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં “ઉત્કર્ષ પહેલ” અંતર્ગત લાભાન્વિત થયેલ તમામ લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજિત “ઉત્કર્ષ સમારોહ”માં પ્રધાનમંત્રીએ અનેક લાભાર્થીઓ સાથે કરેલા સંવાદ પૈકી વાગરાના ઐયુબભાઈ ઇબ્રાહિમભાઈ પટેલ જોડે કરેલો સંવાદ ખુબ જ લાગણીસભર અને પ્રધાનમંત્રીને પણ ભાવુક બનાવી દીધા હતા.
પ્રજ્ઞાચક્ષુ પિતાને પોતાની ત્રણેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવાની ખેવના…
NEWS: વાત એમ છે કે,વાગરા ખાતે રહેતા ઐયુબભાઈ ઇબ્રાહિમભાઈ પટેલ નામના ૫૧ વર્ષીય સદગૃહસ્થે થોડાક વર્ષો પહેલા ગલ્ફ દેશમાં વ્યવસાય કરતા હતા તે દરમિયાન કોઇ દવાની આડઅસરમાં તેમની આંખોમાંથી રોશની જતી રહી હતી. ઐયુબભાઈને પોતાના પરિવારમાં 06 વ્યકિતનું લાલનપાલન કરવાનું હતું. તેમને સંતાનોમાં ત્રણ પુત્રી છે અને ત્રણેયને સારી રીતે ભણાવવાની ઐયુબભાઈની ખેવના. પ્રધાનમંત્રીએ પ્રાસંગિક વાતચીત અને યોજનાકીય લાભોનો પ્રતિભાવ મેળવ્યા બાદ એવું પૂછ્યું હતું કે, “તમે તમારી પુત્રીને શું બનાવવા ઈચ્છો છો? દિકરીઓને ભણાવો છો?” તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઐયુબભાઈએ જણાવ્યું હતું કે, ” મારી એક દીકરીને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મળ્યો છે. જ્યારે બીજી દીકરીને 10 હજારની સ્કોલરશીપ મળી છે. મારી દીકરીને ડોક્ટર બનાવવા માંગુ છું.” જોગાનુજોગ, એ દિવસે ધોરણ – 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ હતું જેમાં મોટી પુત્રી આલિયા 79.80 % અને 95.10પર્સન્ટાઇલ રેન્કથી ઉત્તીર્ણ થયા હતા. પ્રધાનમંત્રી પણ આલિયા સાથે વાત કરીને થોડી ક્ષણ માટે ભાવુક થઈને કહ્યું, “ઐયુબભાઈ ! તમારી પીડાએ દીકરીને ડોક્ટર બનવાની પ્રેરણા આપી છે.”
વાત અહીંથી વળાંક લીધી અને પ્રધાનમંત્રીએ અચાનક આલિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. આલિયાએ પોતાની અભ્યાસની વિગતો આપી બાદમાં પિતાની વાત કરતા આલિયાની આંખ અશ્રુભીની થઈ ગઈ હતી. આ જોઈ પ્રધાનમંત્રી પણ થોડી ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. સભામંડપમાં પણ લાગણીસભર દ્રશ્યોમાં ગરકાવ થઈ ગયો હતો. આ ક્ષણે પ્રધાનમંત્રીએ ઐયુબભાઈને કહ્યું કે, દીકરીની સંવેદના એ જ તમારી તાકાત છે, શક્તિ છે. દીકરીઓના સપના પૂરા કરજો અને કોઈ પણ તકલીફ હોય તો મને કહેજો. તમારી પીડાએ દીકરીને ડોક્ટર બનવાની પ્રેરણા આપી છે. ઐયુબભાઈ પટેલની દીકરીના ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરૂ કરતાં કોઇ પણ પ્રકારની અડચણરૂપ બાધામાં સંકટમોચનરૂપી સાર્થક બનવા માટે પ્રધાનમંત્રીના સાંકેતિક અભિગમને યાદ રાખીને ઐયુબભાઈ પટેલની દીકરી કુ. આલિયાબાનુ પટેલે એમ.બી.બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરવા સારું સારી કોલેજમાં એડમિશન માટે જરૂરી ટેકો કરવા અરજ કરી હતી. એમ.બી.બી.એસ અભ્યાસક્રમની શૈક્ષણિક ફી ચૂકવવામાં જરૂરી નાણાંકીય સહાયરૂપ થવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ અંતર્ગત મહેસૂલ વિભાગના મહત્તમ અધિકારીઓથી લઈને અનેક કર્મચારીશ્રીઓએ ટૂંકા સમયગાળામાં સ્વૈચ્છિકપણે અને નિજી ક્ષમતાનુસાર નાણાંકીય ફાળો ફાળવી કુલ 400 લાખનો લોકફાળો એકત્રિત કરવામાં સામુહિક પ્રયાસની ક્ષમતાનું એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.