NEWS : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે લોકાર્પણ
NEWS : પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
દેશ-વિદેશમાં રહેવા છતાં વતનસેવા ન ભુલનારા કચ્છીઓનો ‘વતનપ્રેમ’ રાજારામના અયોધ્યા પ્રેમ જેવો દિવ્ય છે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
સ્વસ્થ જીવન માટે યોગ, પ્રાણાયામ અપનાવી પ્રાકૃતિક પેદાશોને પ્રોત્સાહન આપવા રાજયપાલશ્રીનો અનુરોધ
NEWS: પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે. પાંચ તત્વોનું બનેલું મનુષ્ય શરીર પાંચ તત્વોના અસંતુલનથી બગડે છે. નેચર ક્યોર આ પાંચ તત્વથી શરીરને સંતુલિત કરવાની વિધી છે. ત્યારે સરહદી કચ્છ પ્રદેશના બિદડામાં દાનવીરોના દાનથી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે તે અભિનંદનને પાત્ર છે, એમ કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે બિદડા ગામ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર કયોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું.
NEWS : રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વ. બચુભાઇ રાંભિયાને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના લોકોના કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બનીને દીન-દુખિયાઓ માટે કાર્ય કરી રહી છે. દરેક પ્રકારની આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલમાં કાર્યરત નેચર ક્યોર થેરાપી સેન્ટર લોકોને પ્રકૃતિની વધુ નજીક લઇ જઇને આરોગ્યપ્રદાન કરશે. તેમણે સ્વસ્થ શરીર માટે આયુર્વેદનો મહિમા જણાવીને લોકોને જીવનનો આનંદ માણવા માટે પ્રથમ સ્વસ્થતા પર ધ્યાન આપવા ભાર મુકયો હતો. આજના ફાસ્ટયુગમાં ફાસ્ટફુડ, બેઠાડુ જીવન, આળસ ત્યજીને વ્યસ્તતા વચ્ચે પણ યોગ, પ્રાણાયામ સાથે યોગ્ય જીવન શૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
NEWS: બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની માનવસેવાની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલના દેશ-વિદેશના દાતાઓને અભિનંદન આપતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, નાણાનો સદઉપયોગ મનુષ્યનો આ જન્મ તો સુધારે છે પરંતુ આવનારા જન્મનું પણ ભાથુ બાંધી આપે છે. વતન મુકીને દેશ-વિદેશ સ્થાયી થયેલા કચ્છીઓની વતનસેવાની લાગણીને બિરદાવતાં રાજયપાલશ્રીએ કચ્છીઓના આ દિવ્યગુણને સોનાની લંકા ત્યજનારા રાજારામના અયોધ્યા પ્રત્યેના પ્રેમ સાથે સરખાવ્યો હતો.
NEWS : આ પ્રસંગે રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનો મહિમા સમજાવીને ઉપસ્થિતોને રાસાયણિક ખેતી ન કરવા તથા પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, આહાર એ જ ઔષધિ છે, તેને જો યોગ્ય રીતે અપનાવાય તો રોગનું શમન કરી શકે છે.
રાજયપાલશ્રીએ સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમણે સમાજકલ્યાણ માટે આપેલા બોધને સમજાવી દાતાઓ દ્વારા લોકકલ્યાણ માટે કરાતી દાનની સરવાણીને ધાર્મિકતાનું દ્યોતક ગણાવી હતી.
NEWS : આ પ્રસંગે રાજયપાલશ્રીએ નેચર ક્યોર થેરાપી સેન્ટરનું ઉદધાટન કરીને હોસ્પિટલના રિહેબેલીટેશન સેન્ટર, યોગ સેન્ટર સહિતની મુલાકાત લઇને હોસ્પિટલની સેવા કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે છેવાડાના મરૂપ્રદેશમાં ટ્રસ્ટીઓ તથા દાનવીરો દ્વારા આરોગ્યસેવા માટે જલાવેલી જયોતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અમેરીકાના દાતાઓ દ્વારા કરાયેલી દાનની સરવાણીનો ચેક હોસ્પિટલને અર્પણ કર્યો હતો.
આજના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે, વિરાયતન વિદ્યાપીઠના શ્રી શીલાપીજી, શ્રી જિનચંદ્રજી મુનિ, ટ્રસ્ટના ચેરમેનશ્રી વિજયભાઇ છેડા, હેમંતભાઇ રાંભીયા, હાર્દિકભાઇ મમાણીયા, વિમલભાઇ શાહ, સંજયભાઇ એન્કરવાલા, હરેશભાઇ ઠક્કર , કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.