Minister of Education:
આવતીકાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાશે

Minister of Education: આવતીકાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાશે

માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 10 વાગ્યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જોઇ શકાશે. ઉલ્લેખનીય છે કે, કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે હવે માત્ર ધો.12 કોમર્સના થોડા પેપર ચેક કરવાના બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે ત્યારબાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.12 સાયન્સ, ત્યારબાદ ધો.10 અને છેલ્લે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. પરીક્ષા દરમિયાન જ એટલે કે જે પેપર લેવાઈ ગયા છે તેનું મૂલ્યાંકન ધો.12 સાયન્સ અને ધો.10ના પેપર 11 એપ્રિલથી જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના પેપર 13 એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં સૌ પ્રથમ ધોરણ 12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.

કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગભગ દોઢ વર્ષ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું. તેમાં પણ 2021માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ક્લાસરૂમમાં બેસીને આપી હતી. 28 માર્ચથી શરુ થયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓએ પૂરજોશમાં તૈયારીઓ કરી હતી. પરંતુ દોઢ વર્ષ સુધી ઓનલાઈન ભણ્યા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટીસ છૂટી ગઈ છે. જેની અસર પ્રિલિમિનરી પરીક્ષામાં પણ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ ખાસ કરીને પેપરમાં સેક્શન C અને D છોડી દીધું હતું એટલે કે મોટા પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થીઓએ આળસ કરી હતી અથવા સરખી રીતે લખી શક્યા ન હતા. સામાન્ય કરતા પ્રિલિમિનરી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 10 થી 30 ટકા ઘટ્યું છે. આમ વિદ્યાર્થીઓની આ છૂટી ગયેલી રાઇટિંગ પ્રેક્ટીસનું પરિણામ બોર્ડની પરીક્ષા અને પરિણામ પર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *