મહેસાણા એસટી વિભાગનું ટિકિટના રોલમાંથી નીકળતી પ્લાસ્ટીકની ભૂંગળીઓ એકત્ર કરવાનું ફરમાન : ભૂંગળીઓને ભંગારમાં વેચી ઉભી કરાશે આવક : આડેધડ ફેંકી દેવાતી ભૂંગળીઓનું રિ-સાઈકલ થતા પર્યાવરણને થતું નુકશાન અટકશે : કંડકટર જુની ભૂંગળીઓ જમા ન કરાવે ત્યાં સુધી નવા ટિકિટ રોલ ફાળવાશે નહીં
મહેસાણાના એસ.ટી. વિભાગે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ટિકિટના રોલમાંથી નીકળતી પ્લાસ્ટીકની ભૂંગળીઓને ફેંકી દેવાના બદલે તેને એકત્ર કરી એકઠા થનારા વેસ્ટ જથ્થાને ભંગારમાં આપી લાખોની આવક ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે. મહેસાણા એસટી વિભાગે કરેલી આ પહેલને કચ્છ સહિત રાજ્યના એસટી વિભાગમાં અમલી કરવામાં આવે તો એસટી નિગમને વધારાની મોટી આવક સાથે પર્યાવરણનું પણ જતન થઈ શકે.આ અંગે મળતી વિગતો મુજબ મહેસાણા એસટી વિભાગ પોતાના કંડકટરોને જે ટિકિટના રોલ આપે છે તેનો વપરાશ થઈ ગયા બાદ નીકળતી પ્લાસ્ટીકની ભૂંગળીને ફેંકી દેવાના બદલે ડેપો કચેરીમાં પરત જમા કરાવવાનો આદેશ કર્યો છે. એસટી વિભાગ ભૂંગળીઓના ૧૦૦ નંગના પેકેટ બનાવી વેસ્ટ જથ્થાને ભંગારમાં વેચશે. કંડકટર દ્વારા ટિકિટ રોલ ખાલી થયા બાદ પ્લાસ્ટીકની ભૂંગળીઓને ફેંકી દેવામાં આવે છે. જેથી પર્યાવરણને નુકશાન થાય છે.
વેસ્ટ જથ્થાને ભંગારમાં વેચી દેવાતા તેનું રિ-સાઈકલ થઈ નવા સ્વરૂપે ચીજવસ્તુ બનશે જેથી પર્યાવરણને થતું નુકશાન અટકશે. આ ઉપરાંત વેસ્ટ જથ્થાના વેચાણથી એસટી તંત્રને વધારાની આવક ઉભી થશે.મહેસાણા એસટી વિભાગે કંડકટરોને જુની ભૂંગળીઓ જમા કરાવ્યા બાદ જ નવા ટિકિટ રોલ ફાળવવાનું નક્કી કર્યું છે. એક અંદાજ મુજબ મહેસાણા ડેપોમાં જ સાડા ચારથી પાંચ લાખ જેટલી ભૂંગળીઓ નીકળે છે. જયારે સમગ્ર ગુજરાતમાં લગભગ દોઢ કરોડ જેટલી પ્લાસ્ટીકની ભૂંગળીઓ નીકળે છે. રોલ ખાલી થયા બાદ ભૂંગળીઓને ફેંકી દેવામાં આવતી હોય છે. આ વેસ્ટ જથ્થાને એકત્ર કરવામાં આવે તો એસટી નિગમને મોટી આવક થઈ શકે છે. રાજ્યમાં મહેસાણા ડેપોએ આ ભૂંગળીઓ એકત્ર કરી જમા કરાવવા કંડકટરોને લેખિત આદેશ કર્યો છે.
ત્યારે કચ્છ જિલ્લામાં પણ આ પ્રયોગ હાથ ધરવામાં આવે તો એસટીને વધારાની આવક ઉભી થઈ શકે.જાણકારો કહે છે કે, આ નવતર પ્રયોગ આવકારદાયક છે. જેને વેસ્ટમાંથી બેસ્ટ આઈડીયા ગણાવવામાં આવી રહ્યો છે. કારણ કે, વેસ્ટ પ્લાસ્ટીક રિ-સાઈકલ થઈ નવારૂપમાં આવશે. આ પ્રયોગથી એસટીની આવક તો વધશે સાથે વેસ્ટ પ્લાસ્ટીકનો જથ્થો જમીનમાં અવરોધરૂપે જમા થતો પણ અટકશે