Mandvi , તા.૧૪/૧૨/૨૦૨૩
બંદરીય માંડવી શહેરની દિકરી શ્રીમતી હંસાબેન કીર્તિભાઈ શાહના પૌત્ર અને પૌત્રી ચિ. કરણ વિનીતભાઈ શાહ (ઉંમર વર્ષ ૧૭) તથા પૌત્રી કુમારી તાન્યા વિનીતભાઈ શાહ (ઉંમર વર્ષ ૨૦) પોષ સુદ ૧૪ ને તા. ૨૪-૧-૨૦૨૪ને બુધવારના રોજ પ્રવચન પ્રભાવક પરમ પૂજય આચાર્ય શ્રીમદ વિજયરત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ધુલીયા (મહારાષ્ટ્ર) મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે. માંડવીની જૈનપુરીમાં નરેન્દ્રભાઈ નાનાલાલ ગોવિંદજી મહેતા પરિવાર અને તરુણભાઈ રમણીકલાલ ગોવિંદજી મહેતા પરિવાર તરફથી તા. ૩-૧૨ ને રવિવારના રાત્રે ૮ થી ૧૨ સુધી ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હોવાનું દિનેશભાઈ શાહ અને જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.
મૂળ ભુજના અમેરિકામાં જન્મ્યા અને ત્યાં જ અભ્યાસ પૂર્ણ કરી, ફરી ભારતની ધરતી પર વડોદરા સ્થાયી થઈ સરસ્વતી લબ્ધ પ્રસાદ રાજપ્રતિબોધક આચાર્ય ભગવંત રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબને જે પોતાનું જીવન સમર્પિત કરી, મુમુક્ષુ કરણભાઈ (ઉંમર ૧૭ વર્ષ) અને મુમુક્ષુ તાન્યાબેન (ઉંમર ૨૦ વર્ષ) આટલી નાની ઉંમરે જીવનનો મર્મ પામી પ્રભુએ બતાવેલ માર્ગ પર જઈ રહ્યા છે. આ બંને યુવાન સગા ભાઈ બહેનને નાનપણથી માતા લીનાબેન તથા પિતા વિનીતકુમાર કીર્તિભાઈ મોહનલાલ શાહ તરફથી ધાર્મિક સંસ્કાર મળેલા છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, મુમુક્ષુ તાન્યાબેનનો જન્મ ડેન્વર, કોલોરાડો અમેરિકામાં થયો હતો. તેમણે ધાર્મિક અભ્યાસમાં ૫ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૯ સ્મરણ, લઘુ સંગ્રહ કરી, સંસ્કૃત ૧ ચોપડી, લોકપ્રકાશ તથા બૃહત સંગ્રહણી (ચાલુ છે) તેમજ ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. જયારે મુમુક્ષુ કરણભાઈ નો જન્મ ડેટ્રોઈટ, મિશિગન, અમેરિકા માં થયેલ છે. તેમણે ધાર્મિક અભ્યાસમાં ૫ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૧ કર્મગ્રંથ, ૯ સ્મરણ, શ્રમણ સૂત્રો, શ્રી રત્નાકર પચીસ, શ્રી અરિહંત વંદનાવલી, વીતરણ સ્ત્રોત્ર, વૈરાગ્ય શતક. સમકિત ૬૭ બોલની સજજાય, અમૃતવેલની સજજાયતો કરેલ છે. તેમણે ૧૦ મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. જૈનપુરીમાં પ્રારંભમાં લાભાર્થી પરિવારના ડો. નિમિષભાઈ મહેતાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, માંડવીમાં સાંજી, બહુમાન અને વર્ષીદાન ની તક મળી તે બદલ ખુશી વ્યકત કરી હતી. માંડવીમાં નરેન્દ્રભાઈ નાનાલાલ ગોવિંદજી મહેતા પરિવાર તથા તરુણભાઈ રમણીકલાલ ગોવિંદજી મહેતા પરિવાર ઉપરાંત, વિશા શ્રીમાળી ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ, ત્રણગચ્છ દેરાવાસી સંઘ, તપગચ્છ જૈન સંઘ, અચલગચ્છ જૈન સંઘ, ખરતચગચ્છ જૈન સંઘ, આઠ કોટી મોટી પક્ષ સ્થાનક વાસી જૈન સંઘ, છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ, બાબાવાડી જૈન સંઘ, સુપાર્શ્વવિલા, જૈન જાગૃતિ સેન્ટર, જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીંગ, વિહાર સુપ, વાગડ સાત ચોવીસ મંડળ, વાગડ બે ચોવીસી જૈન મંડળ, કુશલ સામાયિક મંડળ, નવકાર કીટી ગ્રુપ, છ કોટી વિરતી પુત્રવધુ મંડળ, અજરામર મહિલા મંડળ, મનસુખ ચાંપશી શાહ પરિવાર, રશ્મિબેન ગીરીશભાઈ શાહ (સતના) તથા વ્યકિતગત રીતે બંને દિક્ષાર્થીઓના સન્માન કર્યા હતા.
આ પ્રસંગે નિશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ સંગીતની રમઝટ બોલાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન, તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી જયેશભાઈ ચંદુરાએ કરેલ હતું. જયારે આભાર દર્શન તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી ડો. નિમિષભાઈ મહેતા કરેલ હતું.
અંતમાં જૈનપુરીના પ્રાંગણમાં મુમુક્ષુ તાન્યાબેન અને મુમુક્ષુ કરણભાઈએ બેઠું વર્ષીદાન કરેલ હતું.