દરિયાઈ શહેર માંડવી 65.19 ટકા સાથે જિલ્લામાં મોખરે

માંડવી-મુંદરા તાલુકાઓને જોડતા કાંઠાળ પંથકના વિધાનસભા મત વિસ્તારની યોજાયેલી સામાન્ય ચૂંટણીની એકંદર મતદાનની ટકાવારી 65.19 નોંધાઇ હતી.

આ સાથે માંડવી નગરપાલિકા શહેરી વિસ્તારના 39 બૂથો પર સરેરાશ ટકાવારીનો આંકડો 63.83 ટકા જાણવા મળ્યો હતો. 287 જેટલા મતદાન મથકો ઉપર સૌથી વધુ મતદાન હમીરમોરામાં 83.8 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન સમાઘોઘામાં 24.8 ટકા નોંધાયું હોવાની વિગતો મળી હતી.

માંડવી શહેરી વિસ્તારમાં ગુરુતમ ટકાવારી (75.64) બૂથ નંબર 36 ઉપર જ્યારે લઘુતમ ટકાવારી (51.00) બૂથ નંબર 34 ઉપર અંકિત થઇ હતી. ગત વિધાનસભા ચૂંટણી વેળાએ નોંધાયેલી મતદાનની ટકાવારી 71.13ની સરખામણીએ લગભગ છ ટકા મતદાન ઘટયું છે. એકંદર શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થતાં તંત્રે હાશકારો લીધો હતો તેવું માંડવી પ્રતિનિધિની યાદીમાં જણાવાયું હતું. દરિયાના ઉછળતા મોજાઓ અને ઠંડીના ચમકારાના અહેસાસમાં સવારથી ક્યાંક વેગીલું તો ક્યાંક મંદગતિએ ટકાવારીનું ચક્ર ફરતું રહ્યું હતું. એક જ પરિસરમાંના એક બૂથમાં લાંબી લાઇનો લાગી હોય ત્યાં બાજુમાં મતદાતાની રાહ જોવાતી અનુભવાઇ હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાએ માદરે વતનમાં લોકશાહી યજ્ઞમાં આહુતિ આપી હતી. આ વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર ચેતનભાઇ મિસણ અને એ.આર.ઓ. માધુભાઇ પ્રજાપતિ તથા એ.આર.ઓ. વાઘજીભાઇ પટેલે આપેલી જાણકારી પ્રમાણે 80 વર્ષથી ઉપરના 214 વૃદ્ધ મતદારોને રહેઠાણે જઇને ઝોનલ ઓફિસરના વડપણમાં પોલિંગ ઓફિસરે વીડિયોગ્રાફી સાથે પોલીસ સહાયથી મતાધિકાર નસીબ કરાવ્યો હતો.

બપોર બાદ કેટલાક બૂથો ઉપર નેત્રદીપક રીતે મતદારોએ ઉત્સાહ બતાવ્યો હતો. ત્રિપાંખિયા રાજકીય જંગમાં મતદાન અંતે ભાજપની છાવણી (ઓફિસે) સમર્થકોના ધાડા ઊમટી પડયા હોવાના દૃશ્યો સર્જાયા હતા. ક્યાંક હરખના હિલોળાનો ઉત્સાહ તો ક્યાંક માયૂસી આંખે ચડતી હતી. ચારણી બાહુલ્યવાળા ગામોમાં, પાટીદાર પંથક, લઘુમતી આબાદી આવરી લેતા મત મથકો ઉપર પ્રમાણમાં વધુ ઉત્સાહ વર્તાતો જોવા મળ્યો હતો.

દરમ્યાન ભાજપના ઉમેદવાર અનિરુદ્ધભાઇ દવેએ આત્મવિશ્વાસથી છલોછલ વિજયનો રણકાર પ્રદર્શિત કરતાં મતદાતાઓએ નાગરિક ધર્મ અદા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તો આમ આદમી પાર્ટીના કૈલાસદાન ગઢવીએ પણ મતદારોના ઉષ્માસભર સહકારનો આભાર માની વિજયનો વિશ્વાસ દેખાડયો હતો. તાલુકાના કોકલિયા, વાઘુરા, ગઢશીશા વિગેરે જગ્યાઓએ સવારે વીવીપેટ મશીન ખરાબ થયાના સમાચાર મળ્યા હતા. અધિકારી ચેતન મિસણ, મામલતદાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીની ટીમે ગણતરીની મિનિટોમાં વીવીપેટ મશીન બદલી નાખ્યું હતું. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની ટીમે માંડવીની સાયન્સ કોલેજમાં 286 બૂથો ઉપરથી કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું.’

મુંદરાથી મીડિયા ની ટીમે મુંદરા નગર તથા બારોઈનો પ્રવાસ કરી લોકશાહી પર્વની ઉજવણીની અહેવાલ મેળવવા પ્રયાસ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં સંભવત પ્રથમ વખત એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના મુખ્ય બે જૂથો આમને સામને આવી ગયા હતા. એક સમયે આ ડખાના પગલે મતદારો પણ બહાર ન નીકળતાં સન્નાટો છવાઈ ગયો હતો. બપોરના 12.30 વાગ્યે અગ્રણીઓની મહેનત દ્વારા સમાધાન થતાં ગાડી પાટે ચડી હતી.’ સમગ્ર નગરમાં સવારથી સાંજ સુધી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

મુંદરા શહેર પ્રમુખ પ્રણવ જોશી તથા સુધરાઈના પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યું કે, લોકોએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો.

કોંગ્રેસ શહેરના પ્રમુખ કપિલભાઈ કેસરિયાએ જણાવ્યું કે મતદાનનો ટાઈમ સવારના આઠ વાગ્યાનો હતો પણ સવારના 7.30 વાગે મતદાન કરવા લાઈનો લગાવી હતી. ધ્રબથી કિસાન અગ્રણી હુસેનભાઈ તલાટીએ જણાવ્યું કે 95 વર્ષીય હાજીયાણી તુર્ક અમાબાઈ નૂરમામદે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. લુણી ગામે પોલિંગ બૂથમાં લાઈટ ન હોતાં મોબાઈલની લાઈટ દ્વારા મતદાન ચાલુ રખાયું હતું. અંજારના જેસીસ નગરના નીલેશભાઈ કોરડિયાના પરિવારમાં દીકરી રીંકલબેનના લગ્ન દિવસે પણ સહપરિવારે મતદાન કરી પવિત્ર ફરજ બજાવી હતી. વવાર-ઝરપરા ગામોમાં મરણ થતાં મતદાન ઓછું થવાની શક્યતા દેખાડાઈ હતી. આર. ડી. હાઈસ્કૂલ અને સી. કે. એમ. કન્યા વિદ્યાલયના મતદારોને ચિઠ્ઠી બનાવી આપતા કાર્યકરોની ભીડ જોવા મળી હતી. ભદ્રેશ્વર, છસરા ઉપરાંત દેશલપર, ગેલડા, રામાણિયા, નાની-મોટી તુંબડી, વિરાણિયા, ભોરારા, પત્રી, વાંકી સહિતના ગામોમાં શાંતિપૂર્ણ મતદાન થયાની જાણકારી મળી હતી. કોડાયથી મળતા અહેવાલ અનુસાર કોડાય પંથકના મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોડાય ખાતે ગુરુકુળના પ્રભુજીવનદાસજી સ્વામી અને સંતોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ મનાવ્યું હતું. જખણિયામાં વીરાયતન વિદ્યાપીઠના સાધ્વી શિલાપીજીએ મતદાન કરી નૈતિક ફરજ માટે સૌને અપીલ કરી હતી. તલવાણા ગામના બે લાડાએ પણ મતદાન કર્યું હતું.

એનઆરઆઇ પિયાવાના કાન્તિભાઇ છભાડિયા પરિવારએ પણ મતદાન કર્યું હતું. ગઢશીશાથી મળતા અહેવાલ અનુસાર ગઢશીશા ગામ ખાતે ચૂંટણી પૂર્વે ભારે જોરશોરથી ત્રણ મુખ્ય મનાતા રાજકીય પક્ષે’ સભાઓ ગજવી વિધાનસભાની ચૂંટણીનો ભારે રાજકીય માહોલ ખડો કર્યો હતો અને રામપર-વેકરાથી’ કોટડી મહાદેવપુરી તથા મોટી ભાડઇથી દુજાપર સુધીના તમામ નાના-મોટા ગામોમાં કોણ જીતશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું. માંડવી-મુંદરા વિધાનસભાની આ સીટ માટે કુલ્લ આઠ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગમાં ગઢશીશામાં 65 ટકા નોંધપાત્ર મતદાન નોંધાયું છે, તો રત્નાપર 70 ટકા, વિરાણી નાની (ગઢ) 68.86, રાજપર 69 ટકા, શેરડી 72 ટકા, વાંઢ 80 ટકા, હમલા-મંજલ 71 ટકા, મકડા 70 ટકા, લુડવા 64.93 ટકા, જામથડા 67 ટકા, ભેરૈયા 71 ટકા, દુજાપર 73 ટકા, રામપર 66 ટકા, વેકરામાં 65 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા આ પટ્ટા'માં સવારના ભાગમાં મતદાન ઓછું રહ્યું હતું. બપોરેરોટલા’ ખાઇને સાંજે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

તંત્રના ચોપડે અતિસંવેદનશીલ છતાંય પણ એકદમ શાંતિપૂર્ણ રીતે થઇ રહેલ મતદાન માટે સ્થાનિક પોલીસ સાથે આર્મીમેન, પેરા મિલિટરી ફોર્સ સહિતના હથિયારધારી જવાનો મતદાન મથક પર તૈનાત કરાયા હતા. લેવા પટેલ ચોવીસીના રામપર-વેકરા ગામ ખાતે વરરાજા તથા એક કન્યાએ પણ મતદાન કરી લગ્ન માંડવે ગયા હતા. રાજપરમાં પણ કન્યાએ માંડવે બેસવા પહેલાં મતદાન કર્યું હતું. ભુજપુરના પ્રતિનિધી એ જણાવ્યું કે, 6 બૂથના કુલ્લ 5530 મતદારો સામે 3841 વ્યકિતએ’ મતદાન કરતા 69.45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બિદડાથી નીલેશ સંઘારના જણાવ્યાનુસાર આ ગામે 7 બૂથમાં 65.41 ટકા મત પડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *