મઉં-દેવપર માર્ગે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
શનિવારે મોટી મઉં-દેવપર માર્ગે બે બાઇક આડી રાખી પીપરમેન્ટ-બિસ્કિટ, પાન-મસાલાની ડિલિવરી કરતા વાહનના કર્મચારીને ચાર જુવાનિયાઓએ છરી બતાવી 80 હજાર રોકડની લૂંટ ચલાવી હતી.
આ લૂંટ ચલાવનારા ચારેય નવયુવાન આરોપીઓને એલસીબીએ દબોચી તેનો ભેદ ઉકેલી લીધો છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ 1/1થી જ આ લૂંટનો ગુનો શોધવા એલસીબીના પી.આઇ. એસ.એન. ચૂડાસમા, પીએસઆઇ ટી.બી. રબારીનાં માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ગઢશીશા, માંડવી તથા મુંદરા વિસ્તારમાં આરોપીઓની શોધમાં એએસઆઇ જયદીપસિંહ ઝાલા, હે.કો. વીરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ રાણા, દેવજીભાઈ મહેશ્વરી, વાલાભાઇ ગોયલ, મયૂરધ્વજસિંહ જાડેજા, સૂરજભાઇ વેગડા,’ નવીનકુમાર જોશી,’ મહિપાલસિંહ પુરોહિત તથા સુનીલકુમાર પરમાર હતા ત્યારે બલભદ્રસિંહ તથા વાલાભાઇને શોર્સિસ દ્વારા માહિતી મળી કે, આ લૂંટને અંજામ આપનારા માંડવી તથા મુંદરા વિસ્તારના ઇસમો છે.
આથી પી.આઇ. શ્રી ચૂડાસમાએ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચારેય ઇસમોની તપાસ કરાવી હતી. ત્યારબાદ પીએસઆઇ શ્રી રબારી તથા એલસીબીની ટીમે આરોપી સમીર ઇબ્રાહીમ કુંભાર (રહે. આઝાદ ચોક માંડવી), ફૈઝલ ગફુરભાઇ મેમણ (રહે. ધવલપાર્ક-3, માંડવી), ફૈઝલ નૌશાદભાઇ ભટ્ટી (રહે. નવાવાસ-દુર્ગાપુર), આસિફ ઓસમાણ કુંભાર (રહે. લુણી તા. મુંદરા)ને ઝડપી લઇ એલસીબી ખાતે લઇ આવી યુક્તિ-પ્રયુકિત અજમાવી ચારેયની પૂછતાછ કરતાં લૂંટની કબૂલાત આપી હતી.
આમ આ લૂંટનો ભેદ એલસીબીએ ઉકેલી લીધો હતો. આરોપીઓ પાસેથી રોકડા રૂા. 22,500 તથા સ્પ્લેન્ડર બાઇક નં. જી.જે. 12 બીએન-2116 કિં. રૂા. 20,000 અને પલ્સર નં. જી.જે. 12 ઇ.પી. 9860 કિ. રૂા. 50,000 અને ચાર મોબાઇલ કિ. રૂા. 20,000 એમ કુલ રૂા. 1,12,500નો મુદ્દામાલ જપ્ત કરી ચારે આરોપીને ભુજના એ-ડિવિઝન પોલીસને સોંપી ગઢશીશા પોલીસને જાણ કરાઇ છે.
ઘર કા ભેદી લંકા ઢાય… :
આ લૂંટના બનાવ અંગે એલ.સી.બી. પી.આઇ. સંદીપસિંહ ચૂડાસમા પાસેથી મળેલી જાણકારી મુજબ લૂંટને અંજામ આપનારા ચાર યુવાન આરોપ પૈકીનો એક આરોપી જથ્થાબંધ વેપારી પાસે આવી જ રીતે અગાઉ નોકરી કરી ચૂક્યો હતો અને આ ડિલિવરી વાહનના રૂટ અંગે વાકેફ હતો.
આથી આ જાણભેદુના ઇશારે જ લૂંટનું આખું કારસ્તાન રચાયું હતું. આ આરોપી પૈકીના એકની બાઇકનો હપ્તો અને એકના મોબાઇલનો હપ્તો ભરવાનો બાકી હોવાથી લૂંટમાં સંડોવાયા હોવાની વિગતો બહાર આવી છે. આમ, આજકાલના યુવાનો પોતાના મોજશોખને પૂરાં કરવા માટે ગુનાખોરી તરફ વળી રહ્યા હોવાનો આ કિસ્સો દાખલારૂપ છે.