માંડવીનો 443મો સ્થાપના દિવસ : વિવિધ કાર્યક્રમો યોજાશે
કચ્છના આ ઐતિહાસિક બંદરીય શહેરનો 443મો સ્થાપના દિવસ તા. 16/2ના ઉજવાશે. આ માટે કાર્નિવલ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નગર સેવા સદન તથા શહેર ભાજપ સંગઠન દ્વારા ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ સવારે 9 વાગ્યે કાંઠાવાળા નાકા પાસે ખીલીપૂજન, સાંજે 6.30 વાગ્યે ટાગોર રંગભવનથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેદાન સુધી કાર્નિવલનું આયોજન કરાયું છે.
કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, માંડવી ધારાસભ્ય અને જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજી હુંબલ, શીતલભાઈ શાહ, શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી હાજર રહેશે. કાર્નિવલમાં કુલ્લે 21 કૃતિમાં વિવિધ 643 કલાકાર પોતાની કલાના કામણ પાથરશે. ઉજવણીના તમામ કાર્યક્રમની વ્યવસ્થા અને સંયોજન ખીમજી રામદાસ ટ્રસ્ટના ભરતભાઈ વેદના માર્ગદર્શનમાં થશે. આજે નગરપાલિકાના પદાધિકારીઓએ શહેરમાં ફરીને વેપારીઓ, નાગરિકોને આ માટે આમંત્રણ પાઠવ્યા હતા.