ફરાદીની સીમમાં 50 લાખનું ખનિજ સીઝ
કચ્છની જમીનના પેટાળમાં વિવિધ પ્રકારના ખનિજનો જથ્થો ધરબાયેલો છે. સરકારમાંથી કાયદેસરની લીઝ મેળવીને લીઝધારકો ખનિજ કાઢે છે, પરંતુ લીઝ ઉપરાંતની પણ સરકારી જમીનમાંથી ખનિજ ઉસેડવાની લાંબા સમયની ફરિયાદો અને કિસ્સાઓ સામે આવતા જ રહે છે ત્યારે કોડાય પોલીસે બાતમીના આધારે ફરાદી સીમમાં સરકારી જમીનમાંથી બોક્સાઇટ (ખનિજ)ની ચોરી કરી સંગ્રહ કરાયેલો 50 લાખનો જથ્થો સીઝ થયો છે અને આ દરોડામાં એક જેસીબી મશીન જપ્ત કરાયું છે.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનિજ ચોરીને અટકાવવા બોર્ડર રેન્જના આઇ.જી. જે. આર. મોથાલિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક સૌરભસિંઘની સૂચના અન્વય નાયબ પોલીસ અધીક્ષક રવીરાજસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ કોડાય પોલીસ મથકના પી.આઇ. કે. એસ. ચૌધરીએ પોલીસ કર્મચારીઓને સૂચના આપી હતી. આ અન્વયે બિદડા આઉટ પોસ્ટના હે.કો. મૂળરાજભાઇ કરમશીભાઇ ગઢવી તથા વિપુલભાઇ અરજણભાઇ પરમારને બાતમી મળી હતી કે, ફરાદીની ઉત્તરાદી સીમમાં શિવમ માઇન્સની બાજુમાં આવેલી સરાકરી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે બોક્સાઇટનો જથ્થો સંગ્રહ કરી ખનિજ ચોરી થાય છે. આ બાતમીના પગલે કોડાય પોલીસે દરોડો પાડતાં આ જગ્યા પર કોઇ ઇસમ હાજર મળી આવ્યો ન હતો, પરંતુ બોક્સાઇટના ઢગલા પડયા હતા અને તેમાંથી ખનિજ ચોરી થયાનું સામે આવ્યું હતું. એક જેસીબી મશીન રજિ. નં. જી.જે. 12 સી.એમ. 2505 કિં. રૂા. 12 લાખ મળી આવતાં તેને જપ્ત કરાયું હતું. આ બાબતે કોડાય પોલીસે ભુજના ખાણ-ખનિજ ખાતાના અધિકારીઓને જાણ કરી ઘટનાસ્થળે બોલાવતાં આ ખનિજ ચોરીનો સંગ્રહાયેલો બોક્સાઇટનો જથ્થો જેની કિં. રૂા. 50 લાખ સ્થાનિકે જ સીઝ કરાયો છે. આ કામગીરીમાં કોડાયના પી.આઇ. શ્રી ચૌધરી અને હે.કો. મૂળરાજભાઇ, વિપુલભાઇ તેમજ કોન્સ. પીયૂષભાઇ અને ભાવેશભાઇ જોડાયા હતા.