માંડવીના બંદર રોડ પર શનિવારની રાત્રે 50 લાખ રૂપિયાથી વધુ કિંમતના ઘેરણાં સાથે આંગડિયા થેલાની લૂંટના બનાવના પગલે બંદરીય નગરની વેપારી આલમમાં ઉચાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાંની સાથે જ મોડી રાત સુધી દોડધામમાં પડી ગયેલા પોલીસતંત્રને ઉજાગરા થઈ પડયા હતા. આ લૂંટની ઘટનાની સંવેદનશીલતાને ગંભીરતાપૂર્વક સમજીને મોડી રાત્રે ખુદ પોલીસ સ્ટેશને દોડી ગયેલા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ પોલીસને સત્વરે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
પોલીસના અંતરંગ વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ, શનિવારની મોડી રાત્રે માંડવીના બંદર રોડ પર આવેલા જૂની દેના બેંક બાજુના વિસ્તારમાં વેપારીઓના વિશ્વાસુ એવા હરેશ ખારવાના હાથમાંથી બે અજાણ્યા શખ્સો અડધા કરોડની કિંમતના દાગીના ભરેલો થેલો ઝૂંટવીને નાસી છૂટયા હતા. માંડવીની આખી સોના-ચાંદી બજારમાં કિંમતી જર-જવેરાતની લેવડદેવડ માટેના વિશ્વાસુ એવા હરેશ ખારવા નિયમિત રીતે ભુજથી માંડવી વચ્ચે અપડાઉન કરીને દાગીના, રોકડ સહિત માલ-સામાન સંબંધિત વ્યક્તિ, પેઢીઓ સુધી સલામત રીતે પહોંચાડતા હોય છે. રાતના અંધારામાં અચાનક લૂંટનો ભોગ બનતાં ગભરાઈ ગયેલા હરેશભાઈએ તરત જ સ્વસ્થ થઈને સોના-ચાંદીના તેમજ અન્ય વેપારીઓને જાણ કરી હતી. વેપારીઓએ ઉચાટભેર પોલીસને જાણ કરી હતી.
તરત જ ઘટના સ્થળે ધસી જતાં પોલીસ કાફલાએ ગંભીર બનાવની સઘન છાનબીન હાથ ધરી હતી. તપાસના પ્રારંભિક દોરમાં બંદર રોડ વિસ્તારમાં આસપાસ લાગેલા સીસીટીવીના ફુટેજ ચકાસાયા હતા. એક ટ્રાન્સપોર્ટ કંપનીના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે પગેરું પકડવાની કવાયત આદરી હતી, જે આ લખાય છે ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યે પણ જારી છે. દરમ્યાન, આ સંદર્ભે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ રાત્રે અઢી વાગ્યે મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ખરેખર ગંભીર ઘટના કહેવાય. હું રૂબરૂ પોલીસ સ્ટેશને ગયો હતો. આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સક્રિય છે, તેવી ખાતરીએ આપી હતી, તેવું તેમણે ઉમેર્યું હતું. આ ઘટનાથી બંદરીય નગરમાં ચકચાર પ્રસરી છે અને હવે અપરાધી તત્ત્વોથી સાવધાન રહેવું પડશે, તેવી ચર્ચા પણ વેપારી આલમમાં થવા માંડી હતી.