પશ્ચિમ કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ ખાતે આજે ફરી એક વખત જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. આજે સવારે દરિયાના પાણીમાં નાહવા પડેલા ત્રણ યુવકો સમુદ્રી લહેરોમાં તણાઈ ગયા હતા. જોકે યુવકો ડુબવાની જાણ સ્થાનિક લોકોને થતા, ડૂબી રહેલા યુવકોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે આ દરમિયાન એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય યુવકને સ્થાનિક લોકોએ સલામત રીતે બહાર લાવી બચાવી લીધો હતો. જ્યારે ત્રીજો યુવકો લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરવા આવેલા ત્રણ યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો.જ્યારે એક લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અકસ્માતનો ભોગ બનેલા રાપર તાલુકાના આડેસર ગામના 25 વર્ષીય જગદીશ જયમલ રબારીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના 25 વર્ષીય યુવક રબારી રામજી દેવાને ડૂબતા બચાવી લેવાયો હતો. જ્યારે વિરમ ભગવાનજી રબારી નામનો યુવક લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે રાપર તાલુકાનાં મૌવાના ગામનાં અગ્રણી અને જિલ્લા પંચાયત સદસ્ય ગજુભા જાડેજાએ કહ્યું હતું કે કુલ ત્રણ યુવકો ડૂબવા પામ્યા હતા, જેમાં મોવાના ગામનો 20 વર્ષીય વિરમ ભગવાનજી રબારી હજી દરિયાના પાણીમાં લાપતા છે
ઉલ્લેખનિય છે કે સલામત દરિયા કાંઠાની છાપ ધરાવતા માંડવી બીચ ખાતે આ વર્ષે ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગત માસની તા. 9ના બે યુવકો પણ દરિયાના પાણીમાં તણાયા હતા, જેને બીચ ખાતે પાણીની પ્રવુતિ કરતા ધંધાર્થીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, તો 27 ઓગસ્ટના એક સાથે ત્રણ તરુણો સમુદ્રી લહેરોમાં તણાઈ ગયા બાદ મોતને ભેટ્યા હતા. જ્યારે આ ઘટનાના સપ્તાહ પૂર્વે મુન્દ્રાના યુવકનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. અકસ્માતની ઘટનાઓ બાદ તંત્ર દ્વારા લોકોના બચાવ માટે લાઇફ ગાર્ડ અને દિશા સૂચક બોર્ડ લગાવવાની માગ ઊઠી હતી. પરંતુ બેદરકાર તંત્રએ આવી કોઈ સુવિધા વિકસાવવા રસ દાખવ્યો ના હોવાનુ માલૂમ પડ્યું હતું.