MANDVI : એક તરફ તંત્ર આધારકાર્ડ અપડેટ કરાવવા, આધાર-પાનકાર્ડ લિંક કરાવવા જેવી તાકીદ કરી રહ્યું છે, તો બીજીબાજુ માંડવીમાં (MANDVI) આધારકાર્ડની કામગીરી કરતું નગરપાલિકા કચેરી સ્થિત એકમાત્ર કેન્દ્ર બે દિવસથી બંધ રહેતાં લોકોને ધરમધક્કા થઇ રહ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. વિવિધ સરકારી યોજનાઓ તથા સંસ્થાઓ, બેંકો વગેરેમાં આધારકાર્ડની જરૂર પડે છે. પરિણામે આધારકાર્ડનાં કેન્દ્રો ઉપર કામગીરીનું ભારણ વધી રહ્યું છે.
બરાબર ત્યારે જ માંડવીનું (MANDVI) એકમાત્ર કેન્દ્ર બંધ થઇ જતાં મુશ્કેલી સર્જાઇ છે. છેલ્લા બે દિવસથી ખાનગી એજન્સી દ્વારા ચાલતી આધારકાર્ડની કામગીરી બંધ થઇ જતાં અનેક અરજદારો રઝળી પડયા છે. તાલુકામાં દૂર દૂરથી લોકો અહીં આવે છે અને કેન્દ્ર બંધ જોઇને નિરાશ થઇ જાય છે. ખાનગી કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરથી જ આ સાઇટ બંધ કરાઇ છે, જ્યારે પુન: મંજૂરી આવશે ત્યારે પુન: કામગીરી શરૂ થશે. અલબત્ત, તે માટે કેટલો સમય લાગશે તે નક્કી કહી શકાય નહીં. દરમ્યાન, અરજદારોના કહેવા પ્રમાણે તંત્ર આધારકાર્ડને મહત્ત્વનું બનાવ્યા બાદ તેના તરફ પૂરતું ધ્યાન આપતું નથી. આમ પણ આ એકમાત્ર કેન્દ્રમાં ભારે ભીડ રહેતી હતી ત્યાં હવે તે બંધ થતાં અરજદારો રઝળી પડયા છે. (MANDVI) માંડવી બેંક ઓફ બરોડા શાખામાં અને નગર પાલિકા કચેરી ખાતે આ કામગીરી ચાલુ હતી, પરંતુ તે પણ બે મહિનાથી સિસ્ટમ ખરાબ થઇ જતાં બંધ છે. માંડવીના અરજદારો હવે ક્યાં જાય તે મોટો પ્રશ્ન છે.