મેડમ ભીખાઈજી કામા
દેશની આઝાદીની લડતમાં મહિલાઓ ઝુકાવવાની શરૂઆત કરે એ પહેલાં જ વિદેશમાં એક મહિલાએ આની શરૂઆત કરી દીધી હતી. આ મહિલા એટલે મેડમ ભીખાઈજી કામા. વિદેશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવાનું બહુમાન મેડમ ભીખાઈજી કામાને મળ્યું હતું. ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું.
મેડમ ભિખાઈજી કામાનો જન્મ મુંબઈનાં પ્રતિષ્ઠિત પારસી કુટુંબમાં થયો હતો
મેડમ ભિખાઈજી કામાનો જન્મ મુંબઈનાં પ્રતિષ્ઠિત પારસી કુટુંબમાં 24 સપ્ટેમ્બર, 1861નાં રોજ થયો હતો. તેમનાં પિતાનું નામ સોરાબજી ફરામજી પટેલ હતું અને માતાનું નામ હતું જીજીબાઈ. તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની એલેકઝાન્ડરા પારસી ગર્લ્સ સ્કૂલમાં થયું. તે જમાનામાં છોકરીઓને વધુ ભણાવતા નહોતાં. પરંતુ ભિખાઈજી ઘરે રહીને જ અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન જેવી વિદેશી ભાષાઓ શીખ્યા હતાં.
મેડમ ભીખાઈજી કામા અને તેઓ કુલ નવ ભાઈ બહેનો હતાં. ઘરમાં સૌ એમને ‘મુન્ની’ કહીને બોલાવતાં. અભ્યાસમાં વર્ગમાં તેઓ હંમેશા પ્રથમ જ આવતાં. આપેલ ગૃહકાર્ય પૂરું કર્યા વગર તો તેઓ જમતાં પણ ન હતાં.
મેડમ ભીખાઈજી કામા લગ્નજીવન:-
24 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન મુંબઈનાં જાણીતા ઉદ્યોગપતિ અને વકીલ એવા શ્રી રુસ્તમ ખુરશીદ કામા સાથે થયાં હતાં. પતિનાં ઘરે અત્યંત જાહોજલાલી અને એશોઆરામ હોવાં છતાં તેમનું મન તો દેશને આઝાદ કરાવવાની વાત જ વિચારતું હતું. તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયા હતાં. ઝૂંપડામાં રહેતાં લોકોને તેઓ ભણાવતા હતાં.
મેડમ ભીખાઈજી કામા ને રાજકારણમાં રસ:-
ઈ. સ. 1857માં જ્યારે વિપ્લવ થયો હતો ત્યારે મેડમ કામા માત્ર ચાર વર્ષનાં જ હતાં. પરંતુ રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને અન્ય ક્રાંતિકારીઓએ કરેલાં પરાક્રમોથી તેઓ અંજાઈ ચૂક્યાં હતાં.ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાની શહીદીની યાદમાં તેમણે ‘મદની કી તલવાર’ નામનું સામયિક શરુ કર્યું હતું.
ઈ. સ. 1885માં કૉંગ્રેસ દ્વારા સ્વચ્છતા અંગેનું અધિવેશન મુંબઈમાં યોજાયું હતું. આ અધિવેશને એમનાં મન પર અનોખી છાપ પાડી હતી અને આઝાદીની લડતમાં ભાગ લેવાનાં તેમનાં ઈરાદાને મજબૂત પણ કર્યો હતો. તેમનાં પિતાને આ બધું પસંદ ન હોવાથી તેમણે એમનાં લગ્ન કરાવી દીધાં હતાં.
લગ્ન પછી પણ તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવાનું ચાલુ જ રાખ્યું હતું. ઈ. સ. 1896માં જ્યારે મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે તેમણે ગરીબોના વિસ્તારોમાં જઈને લોકોની સેવા કરવા માંડી હતી. તેમનાં પતિને આ બધું પસંદ ન હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝગડા થતાં. તેઓ પતિથી છૂટા થવાનો નિર્ણય લઈ ચૂક્યાં હતાં. પરંતુ એ જ અરસામાં તેમની તબિયત અચાનક લથડી ગઈ. ઈ. સ. 1902માં તેઓ ગંભીર રીતે બિમાર પડ્યાં હતાં. આથી તેમનાં પતિ એમને ઈલાજ માટે ઈંગ્લેન્ડ લઈ ગયા. એમનો ઈલાજ ચાલુ હતો અને પતિએ ભારત પાછા આવી જવું પડ્યું. ત્યારબાદ ભિખાઈજી જીવનનો મોટા ભાગનો સમય ત્યાં જ રહ્યાં.
શ્યામજી કૃષ્ણ વર્માએ શરુ કરેલી હોમરૂલ સોસાયટી સાથે પણ તેઓ જોડાયા
આઝાદીનાં જંગમાં આ નારી શક્તિએ અનોખી વીરતા દાખવી હતી. ઈ.સ. 1902માં પોતાની ખરાબ તબિયતની સારવાર માટે લંડન ગયા હતા જ્યાં તેમની મુલાકાત દાદાભાઈ નવરોજી સાથે થઈ હતી. ત્યારબાદ એમની આઝાદી જંગમાં સક્રિયતા વધી હતી. તેઓ આઈરીશ અને રશિયન ક્રાંતિકારીઓને ક્રિસમસની ભેટ તરીકે છૂપી રીતે પિસ્તોલ મોકલીને પોતાનાં મિત્રો વધારતાં હતાં.
ઈંગ્લેન્ડમાં લંડન ખાતે દુનિયાભરનાં ક્રાંતિકારીઓનું વડું મથક આવેલું હતું. શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા પણ ત્યાં રહીને દેશની આઝાદીની ચળવળ ચલાવતા હતા. ભિખાઈજી પણ તે સહુની સાથે મળીને કામ કરતાં હતાં. ઈ. સ. 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ શરુ કરેલી હોમરૂલ સોસાયટી સાથે પણ તેઓ જોડાયા. આ સોસાયટી એવું બતાવતી હતી કે તેઓ ભારતનો પ્રચાર કરે છે, પરંતુ ગુપ્ત રીતે તેઓ ભારતમાં સશસ્ત્ર લડાઈ કરનારાઓને હથિયારો પૂરાં પાડતાં હતાં. ભિખાઈજી જુદાં જુદાં પ્રકારનાં રમકડાંઓ ખરીદતાં અને ખૂબ જ સિફતથી તેમાં બંદૂકો અને કરતૂસો મોકલતા. આ ઉપરાંત તેઓ બંદૂક, દારૂગોળો, બૉમ્બ વગેરે બનાવવાની માહિતી આપતાં પુસ્તકો અને મેગેઝીન છૂપી રીતે ભારત મોકલતા હતાં. ખૂબ જ થોડાં વર્ષોમાં તેઓ આઝાદીની લડતના એક અગ્રગણ્ય લડવૈયા બની ગયા.
અંગ્રેજો માટે માથાનો દુઃખાવો:-
ભિખાઈજી પોતાનાં તીખાં ભાષણો અને લેખો દ્વારા અત્યંત ટૂંકા ગાળામાં ભારતીયો માટે આદરપાત્ર અને અંગ્રેજ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો બની ગયાં. ઈ. સ. 1906માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, જેનો આખા દેશમાં જોરદાર વિરોધ થયો. દેશમાં બંગભંગ વિરોધી આંદોલન શરુ થયું અને મેડમ કામાએ ઈંગ્લેન્ડથી એને ટેકો જાહેર કર્યો.
જર્મનીમાં અધિવેશન:-
ઈ. સ. 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સોશિયાલિસ્ટ કૉંગ્રેસ અધિવેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મેડમ કામા અને સરદારસિંહ રાણા આગળ આવ્યાં. આ અધિવેશનમાં જતાં તેમને અટકાવવા માટે ભારતની અંગ્રેજ સરકારે ખૂબ જ ધમપછાડા કર્યા, પણ ફાવી નહીં.
આ અધિવેશનમાં આવેલ અનેક દેશોનાં પ્રતિનિધિઓની સામે મેડમ કામાએ ભારતમાં અંગ્રેજો દ્વારા થતાં શોષણ, દમન અને ગુલામીનું વર્ણન કર્યું. ઉપરાંત ભારતને સંપૂર્ણ આઝાદી મળે એ માટેનો પણ જોરદાર પ્રસ્તાવ રજુ કર્યો. અને આ અધિવેશનમાં જ તેમણે ભારતનો ધ્વજ ફરકાવ્યો અને ભારતનો ધ્વજ લહેરાવનાર પ્રથમ મહિલા બની ગયાં.
તેમણે પરદેશની ભૂમિ પર ફરકાવેલો રાષ્ટ્રધ્વજ એમણે પોતે જ બનાવ્યો હતો. આમાં લાલ, કેસરી અને લીલા એમ ત્રણ પટ્ટા હતાં. લાલ પટ્ટામાં આઠ અર્ધખીલ્યાં કમળ હતાં, જે ભારતનાં તે સમયનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. વચ્ચેનાં પટ્ટા પર દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખેલું હતું. સૌથી નીચેનાં પટ્ટામાં એક બાજુ સૂર્ય અને બીજી બાજુ ચાંદ તારો હતો, જે ભારતનાં બે મુખ્ય ધર્મો હિંદુ અને મુસ્લિમનાં પ્રતિક હતાં.
તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, ‘આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો…હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્….વંદે માતરમ્…’
આ ઘટના બાદ મેડમ કામા આ ધ્વજની એક નકલ પોતાનાં તમામ ભાષણો દરમિયાન સાથે જ રાખતાં હતાં. તેમણે ચાલુ કરેલ સામયિક ‘તલવાર’નાં પૂઠા પર પણ આ ધ્વજનું ચિત્ર હતું. તેમણે ‘વંદે માતરમ’ નામનું એક અખબાર પણ શરુ કર્યું હતું. આમાં તેમનાં ભાષણો ઉપરાંત અન્ય નેતાઓના ભાષણો પણ પ્રગટ થતાં હતાં.
અહિંસાથી હિંસા તરફ:-
મેડમ કામા ઈ. સ. 1905 સુધી તો સંપૂર્ણ પણે અહિંસામાં જ માનતાં હતાં, પરંતુ અંગ્રેજોના દમન અને અત્યાચાર આગળ નેતાઓના ઠંડા વલણ અને ધીમી ગતિથી અકળાઈને તેઓ હિંસક ક્રાંતિ તરફ વળ્યાં હતાં. તેઓ હિંદુ મુસ્લિમ એકતા, સ્વાવલંબીપણું અને સ્ત્રીસમાનતાનો પણ પ્રચાર કરતાં હતાં.
વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને અંગ્રેજોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી, પરંતુ ફ્રેંચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકલવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.
ઈ. સ. 1907નાં અંતમાં તેઓ અમેરિકા ગયા હતાં અને ત્યાંથી પાછા ઈંગ્લેન્ડ આવ્યાં કે તરત જ તેમની ધરપકડ કરવીઅને તેમનાં પર દેશદ્રોહનો મુકદમો ચલાવી કાળા પાણીની સજા કરવી એવું અંગ્રેજ સરકારે નક્કી કર્યું. મેડમ કામાને આ વાતનો અંદાજ આવી જતાં તેઓ ઈંગ્લેન્ડને બદલે સીધાં પેરિસ જતાં રહ્યાં. આ જ સમયગાળામાં સરદારસિંહ પણ લંડનથી પેરિસ જતા રહ્યા, અને બંનેએ પેરિસથી જ ભારતની આઝાદીની લડત ચલાવી. મેડમ કામાનું પેરિસમાં આવેલું ઘર વિદેશોમાં વસતાં ભારતીય ક્રાંતિકારીઓ માટેનું મુખ્ય મથક બની ગયું હતું.
ઈ. સ. 1914માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે એક તરફ જર્મની હતું અને બીજી તરફ ઈંગ્લેન્ડ, ફ્રાંસ જેવાં રાષ્ટ્રો. અંગ્રેજોએ આ યુદ્ધ જીતવા માટે પોતાનાં તાબા હેઠળના તમામ રાષ્ટ્રોને એમાં જોડાવવાનું ફરમાન મોકલ્યું હતું, જેમાં ભારત પણ હતું. અનેક ભારતીય જવાનોના આ યુદ્ધમાં થતાં મોતને લઈને મેડમ કામા દુઃખી થયાં હતાં. તેમણે ઘોષણા કરી કે જર્મની આપણું મિત્ર છે, એમની સામે નહીં, એમની સાથે રહો. આથી અંગ્રેજોએ ફ્રાન્સની સરકારને મેડમ કામાને પોતાને સોંપી દેવા કહ્યું. ફ્રાન્સની સરકારે આવું તો ન કર્યું પરંતુ મેડમ કામાને પેરિસથી દૂર લઈ જઈ એક કિલ્લામાં નજરકેદ કર્યાં અને વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં જ એમને છોડી દીધાં.
ફરીથી તેઓ પેરિસ આવ્યાં અને ઈ. સ. 1935 સુધી ત્યાં જ રહ્યાં. આ સમયે લેનિને તેમને રશિયામાં સ્થાયી થવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ મેડમ કામાએ એનો સવિનય અસ્વીકાર કર્યો હતો.
સતત આઝાદીની લડાઈમાં ભાગ લેવાને કારણે અને પોતાની જાતની પરવા ન કરવાને કારણે તેમનું શરીર બીમારીઓનું ઘર બની ગયું હતું. ઉંમર સિત્તેર વટાવી ચૂકી હતી. પેરિસમાં હવે તેઓ એકલાં જ હતાં, કોઈ એમની દેખરેખ રાખનાર ન્હોતું. ઉપરાંત આવકનું કોઈ સાધન પણ ન્હોતું. એમનાં મિત્રો એમની મદદ કરવા તૈયાર હતાં, પણ મેડમ કામાએ તો માદરે વતન ભારત પાછા ફરવું હતું. એમની આવી અવસ્થા હોવાં છતાં અંગ્રેજ સરકાર એમનાથી ગભરાતી હતી. આથી જ તેઓ મેડમ કામાને ભારતમાં આવવા દેતા નહોતા.
પરંતું મેડમ કામાનાં અનેક વિદેશી મિત્રોની ઘણી બધી અરજીઓ પછી અંતે અંગ્રેજ સરકારે તેમને ભારત પાછા આવવાની પરવાનગી આપી.
આખરે પાંત્રીસ વર્ષોના લાંબા ગાળા બાદ ઈ. સ. 1936ની શરૂઆતમાં તેઓ ભારત પાછા આવ્યાં અને મુંબઈની એક પારસી ધર્માદા હૉસ્પિટલમાં દાખલ થયાં. મુંબઈમાં પણ એમનાં કોઈ જ સગાં હવે રહ્યાં નહોતાં. એમનાં વિદેશી મિત્રોમાંથી વીર સાવરકર એ સમયે ભારતમાં જ હોવાથી અવારનવાર તેમની ખબર જોઈ જતાં. ક્યારેક એમનાં કોઈક પ્રશંસકો પણ એમને મળવા આવતાં.
મેડમ ભિખાજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. આખરે ઈ.સ. 1936માં 13મી ઑગસ્ટના રોજ પંચોતેર વર્ષની ઉંમરે મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું. અફસોસની વાત એ હતી કે દેશ માટે આખી જિંદગી આપનાર મેડમ કામાની મૃત્યુની નોંધ કોઈએ લીધી ન્હોતી.