વીજળીએ 5 વર્ષમાં ગુજરાતમાં 238 લોકોના જીવ લીધા, સમગ્ર ભારતમાં મોતનો આંકડો 14 હજારને પાર
ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થયું છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડવાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. 7 જૂનના રોજ 4 અને રવિવારે 5 લોકોના વીજળી પડવાને કારણે મોત થઈ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વીજળી પડવાની ઘટનાઓ અને તેનાથી થતી મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં તો આ સંખ્યા વધી રહી જ છે સાથે દેશભરમાં પણ આવી જ સ્થિતિ નજર આવી રહી છે. તેનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય કે, છેલ્લા 5 વર્ષમાં વર્ષ 2016-2020 દરમિયાન દેશમાં વીજળીના કારણે 14,295 લોકોના જીવ ગયા છે. આ તથ્ય લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારીમાં સામે આવ્યું છે. માત્ર વર્ષ 2020ની વાત કરીએ તો આ એક વર્ષમાં 2,862 લોકોના વીજળી પડવાના કારણે દેશમાં મૃત્યુ થયા છે. વર્ષ દીઢ મૃત્યુના આંકડા પર નજર કરીએ તો 2016માં 3,315, 2017માં 2,885, 2018માં 2,357, 2019માં 2,876 અને 2020માં 2,862 લોકોના વીજળી પડવાના કારણે મૃત્યુ થયા છે.
વીજળીએ 5 વર્ષમાં ગુજરાતમાં 238 લોકોના જીવ લીધા
બિહાર મધ્ય પ્રદેશમાં સર્વાધિક મોત
વર્ષ 2020માં વીજળીના કારણે થયેલા મૃત્યુના આંકડા પર નજર નાખીએ તો સૌથી વધારે 436 મૃત્યુ બિહારમાં થયા હતા. 429 લોકોના મૃત્યુ મધ્યપ્રદેશમાં અને 336ના મોત ઝારખંડમાં થયા હતા. ઉત્તરપ્રદેશમાં 304 લોકોના જીવ ગયા હતા. ગુજરાત આ લિસ્ટમાં 78 મોત સાથે 10માં સ્થાન પર છે.
ગુજરાતમાં દર વર્ષે વીજળી પડવાથી મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. વર્ષ 2016-2020 દરમિયાન 5 વર્ષમાં 238 લોકોના વીજળી પડવાના કારણે મૃત્યુ થયા છે. ગુજરાતમાં 2016માં 29, 2017માં 54, 2018માં 13, 2019માં 64, 2020માં 78 લોકના વીજળી પડવાના કારણે મૃત્યુ થયા છે.
સપ્તાહમાં 9 લોકોના જીવ ગયા
ગુજરાતમાં આ વર્ષે 2022માં અત્યાર સુધીમાં વીજળીએ 9 લોકોના જીવ લીધા છે. 7 જૂનના રોજ વીજળીના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 12 જૂન રવિવારના રોજ 5 લોકોના મોત થયા છે.
ભારતીય હવામાન વિભાગ અમદાવાદ નિદેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ વિભાગ વીજળી પડવાને લઈને ચેતવણી જાહેર કરે છે. જ્યારે વીજળી ચમકતી હોય ત્યારે લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ. જે લોકો ઘરમાં છે તેમણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોના પ્લગ કાઢી નાખવા જોઈએ. તાર વાળા ટેલિફોનનો ઉપયોગ ન કરવો. લોખંડના પાઈપને સ્પર્શ ન કરવો. નળમાંથી વહેતા પાણીનો ઉપયોગ ન કરવો.
2020માં આ રાજ્યોમાં આટલા લોકોના મોત થયા
1 બિહાર- 436
2 મધ્યપ્રદેશ- 429
3 ઝારખંડ- 336
4 ઉત્તરપ્રદેશ- 304
5 ઓડિશા- 275
6 છત્તીસગઢ- 246
7 મહારાષ્ટ્ર- 182
8 પશ્ચિમ બંગાળ- 170
9 આંધ્રપ્રદેશ- 93
10 ગુજરાત- 78