વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ જોવા મળી રહી છે ત્યારે દિલ્હીના સીએમ કેજરીવાલ અમરેલીમાં રોડ શો કરશે. ગઈકાલે અમરેલી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો થયો હતો ત્યારે આજે અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાંજે 5 વાગ્યે અમરેલીમાં રોડ શો કરશે. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો ઉમરગામ, કપરાડા અને ધરમપુરામાં યોજાશે. તો આપના રાજ્યસભાના સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં જોડાશે.
ગુજરાતમાં આવતા મહિને એટલે કે ગણતરીના દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું 1 ડીસેમ્બરે અને બીજા તબક્કાનું 5 ડીસેમ્બરે મતદાન થઈ રહ્યું છે ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર અત્યારે પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલે રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં આમ આદમી પાર્ટીના રોડ શો દરમિયાન સર્વત્ર મોદી-મોદીના નારા સંભળાયા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપ પાર્ટી તમારા બાળકો માટે સારી શાળા બનાવશે. મોદી મોદીના નારા લગાવવાળાનું દિલ જીતી લઈશ.